રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવાર, 30 સપ્ટેમ્બર 2026ના રોજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને ત્યારબાદ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. બેઠકમાં 14 નિવૃત્ત પ્રોફેસરોને સિનિયર પ્રોફેસર તરીકે પ્રમોશન આપવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. આ ઉપરાંત રહેમરાહે નોકરી કરતા 18 કાયમી નોન-ટીચિંગ કર્મચારીઓની નિમણૂક સંબંધિત વિગતો રાજ્ય સરકારને મોકલવાનો નિર્ણય લેવાયો છે.

કુલપતિ ડૉ. ઉત્પલ જોશીના જણાવ્યા અનુસાર, સિનિયર પ્રોફેસર તરીકે પ્રમોશન માટે વર્ષ 2025માં અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અરજીઓના આધારે નિવૃત્ત સહિત કુલ 32 પ્રોફેસરોને પ્રમોશન આપવામાં આવ્યું છે. જોકે આ પ્રમોશનને અંતિમ મંજૂરી રાજ્ય સરકાર આપશે.

CAS પ્રમોશન અંગે યુનિવર્સિટીનું સ્પષ્ટીકરણ

યુનિવર્સિટી વહીવટીતંત્રે જણાવ્યું હતું કે સંબંધિત અધ્યાપકો જ્યારે ફરજ પર હતા ત્યારે તેમને Career Advancement Scheme (CAS) હેઠળ પ્રમોશન મળ્યું ન હતું. ત્યારબાદ તેઓ નિવૃત્ત થયા હોવા છતાં આ વિલંબમાં અધ્યાપકોની વ્યક્તિગત ભૂલ ન હોવાથી નિયમ મુજબ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે.

આ મુદ્દે કોંગ્રેસના ડૉ. નિદત બારોટે બેઠકમાં સવાલ ઉઠાવ્યો હતો. યુનિવર્સિટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે સમગ્ર પ્રક્રિયા રાજ્ય સરકારના નિયમો અને વર્ષ 2025માં મંગાવવામાં આવેલી અરજીઓના આધારે હાથ ધરવામાં આવી છે. અંતિમ નિર્ણય સરકારની મંજૂરી બાદ જ થશે.

18 કર્મચારીઓની નિમણૂક અંગે સરકારને વિગતો મોકલાશે

રહેમરાહે નોકરી કરતા 18 કાયમી નોન-ટીચિંગ કર્મચારીઓને નિયમિત સેવામાં કઈ રીતે સામેલ કરી શકાય તે અંગે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વિગતો અને ફાઇલો મંગાવી હતી. યુનિવર્સિટીનું કહેવું છે કે આ નિમણૂકો અગાઉ સત્તા મંડળ તથા સરકારની મંજૂરી બાદ કરવામાં આવી હતી. હવે સંબંધિત તમામ દસ્તાવેજો અને નિમણૂકની વિગતો સરકારને મોકલવામાં આવશે. ત્યારબાદ સરકારના આદેશ મુજબ આગળનો નિર્ણય લેવાશે.

આ ઉપરાંત 29માંથી 8 ભવનમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઉપલબ્ધ વિગતો મુજબ આંકડાશાસ્ત્રમાં 04, કેમિસ્ટ્રીમાં 04, બાયો કેમિસ્ટ્રીમાં 02, બાયો સાયન્સમાં 06, શારીરિક શિક્ષણ ભવનમાં 02, સંસ્કૃતમાં 01, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક્નોલોજીમાં 01 અને MBAમાં 01 જગ્યા દર્શાવવામાં આવી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક્નોલોજી સિવાયના 6 ભવનમાં દર મહિને રૂ.40,000 પગારની જોગવાઈ હોવાનું જણાવાયું છે. ભરતીની સત્તા ભવન અધ્યક્ષોને સોંપાતા આંતરિક અસંતોષ હોવાનો પણ મુદ્દો બેઠકમાં ચર્ચાયો હતો.

8 ઓક્ટોબરે 61મો પદવીદાન સમારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 61મો પદવીદાન સમારંભ 8 ઓક્ટોબરે યોજાશે. આ સમારંભમાં 45,464 પદવીઓ આપવામાં આવશે. સાથે 132 ગોલ્ડ મેડલ અને 150થી વધુ પારિતોષિકો એનાયત થવાના છે.

બેઠકમાં ફાર્મસી ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સચિન પરમાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે સીધી ભરતી થતાં એક માસનો પગાર ચૂકવીને યુનિવર્સિટીમાંથી મુક્ત થયા હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. ડી. આર. એન્ટરપ્રાઇઝનો મેનપાવર કોન્ટ્રાક્ટ 1 સપ્ટેમ્બર 2026થી 31 ઓગસ્ટ 2027 સુધી એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.