રાજુલા અને રાજકોટ વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે રાજકોટ ડેપોએ ટુ-બાય-ટુ AC વોલ્વો બસ સેવા શરૂ કરી છે. નવી સેવા રાજકોટ ડેપો દ્વારા સંચાલિત થશે અને રાજુલા ડેપોમાંથી આ રૂટ શરૂ કરવામાં આવ્યો નથી.

બસ રાજકોટથી દરરોજ બપોરે 12 વાગ્યે ઉપડશે, જ્યારે રાજુલાથી સવારે 5:30 વાગ્યે રવાના થશે. મુસાફરો માટે ટિકિટનો દર રૂ.340 રાખવામાં આવ્યો છે. ટિકિટનું એડવાન્સ રિઝર્વેશન ઓનલાઈન તેમજ બસ કાઉન્ટર પરથી કરી શકાશે.

રાજુલા-જાફરાબાદ વિસ્તારના મુસાફરોને રાહતની અપેક્ષા

રાજુલા અને જાફરાબાદ વિસ્તારનાં આશરે 30 ગામોમાં એસટી બસ સેવા પૂરતી ન હોવાની ફરિયાદો સામે આવી છે. ખાનગી ઉદ્યોગોના કારણે આ વિસ્તારમાં લોકોની અવરજવર પણ રહે છે. રાજકોટ જવા માટે સવારે મર્યાદિત બસો હોવાને કારણે મુસાફરોને મુશ્કેલી પડતી હોવાની રજૂઆતો કરવામાં આવી હતી.

નવી AC વોલ્વો સેવા શરૂ થતાં રાજુલા-રાજકોટ વચ્ચે મુસાફરી કરતા લોકોને વધુ સુવિધાજનક વિકલ્પ મળશે. આ રૂટ માટે સ્થાનિક આગેવાનો અને સરપંચોએ એસટી લોકદરબાર યોજવાની માંગ પણ કરી છે. સેવા રાજકોટ ડેપો દ્વારા શરૂ કરાઈ હોવાની માહિતી આપવામાં આવી છે.