રાજકોટ મહાનગરપાલિકામાં જીપીએમસી એક્ટ મુજબ અમલમાં રહેલી વોર્ડ સમિતિઓને લાંબી ચર્ચા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે વોર્ડ કક્ષાએ નાગરિકો અને નગરસેવકો દ્વારા રજૂ થતા પ્રાથમિક સુવિધાના કામો સીધા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરીને મંજૂર કરાશે.

નવી વ્યવસ્થા મુજબ દર મહિનાની 1થી 18 તારીખ દરમિયાન સંબંધિત વોર્ડ કચેરીમાં બેઠક યોજાશે. આ બેઠકોનું રોજકામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે. તાજેતરની બેઠકમાં વોર્ડ નં. 5, 8, 10, 11, 12, 13, 15, 17 અને 18ના રોજકામને ધ્યાને લઈ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

વિવિધ વોર્ડમાં પ્રાથમિક કામો

મંજૂર થયેલી રજૂઆતોમાં રસ્તા, ગટર, પાણી, લાઈટ, સ્વચ્છતા અને દબાણ દૂર કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. વોર્ડ નં. 5માં RCC અને પેવર બ્લોક, વોર્ડ નં. 8માં ટ્રાફિક તથા દબાણ, વોર્ડ નં. 10માં નવી મુખ્ય વોર્ડ ઓફિસ અને પાઈપલાઈન સંબંધિત કામો રજૂ થયા હતા.

વોર્ડ નં. 11માં પાણી અને વોંકળાની દીવાલ, વોર્ડ નં. 12માં ન્યુસન્સ પોઈન્ટ અને ગેરકાયદે બાંધકામ, વોર્ડ નં. 13માં લાઈબ્રેરી તથા સર્કલ ડેવલપમેન્ટ અને વોર્ડ નં. 18માં બ્રિજ પહોળો કરવા તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંગેની રજૂઆતોનો સમાવેશ થાય છે. ચેરમેન પરેશ પીપળીયાએ દરખાસ્તોને મંજૂરી આપી અધિકારીઓને પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવા સૂચના આપી હતી.

28 સપ્ટેમ્બરથી મિલકતોનો ડોર-ટુ-ડોર સર્વે

મનપાની ટેક્સ બ્રાંચે તમામ 18 વોર્ડની મિલકતોનો ડેટાબેઝ અપડેટ કરવા ખાનગી એજન્સીને સર્વેની કામગીરી સોંપી છે. 28 સપ્ટેમ્બર, સોમવારથી શરૂ થનારા સર્વેમાં ટીમો ઘરે-ઘરે જઈ મિલકતનું જીઓ-ટેગિંગ, સરનામું, મિલકતધારકનો મોબાઈલ નંબર અને વોટર કનેક્શન જેવી વિગતો મોબાઈલ એપ્લિકેશન મારફતે નોંધશે.

સર્વેયરોને મનપાના સિક્કા અને QR કોડવાળું વિશેષ આઈ-કાર્ડ આપવામાં આવશે. નાગરિકો QR કોડ સ્કેન કરીને અથવા મનપાની વેબસાઈટ પરથી કર્મચારીની ઓળખ ચકાસી શકશે. મનપાએ સ્પષ્ટ કર્યું છે કે સર્વે માત્ર રેકોર્ડ અપડેટ કરવા માટે છે. સર્વેયરને વેરો વસૂલવાની કે આકારણી બદલવાની સત્તા આપવામાં આવી નથી.

મનપાએ નાગરિકોને બેંકની વિગતો, OTP કે કોઈ નાણાકીય વ્યવહાર ન કરવા અપીલ કરી છે. આઈ-કાર્ડ વગરની વ્યક્તિને ઘરમાં પ્રવેશ ન આપવા અને શંકાસ્પદ સ્થિતિમાં કોલ સેન્ટર નંબર 155304 પર સંપર્ક કરવા જણાવાયું છે.