રાજકોટના વાવડી વિસ્તારમાં આશરે 20 ટનની ક્રેનની અડફેટે આવતાં 39 વર્ષીય આમદ શેખનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આમદ શેખ પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા અને ફોન પર વાત કરવા માટે રસ્તાની સાઇડમાં ઊભા રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવેલી ક્રેને તેમને અડફેટે લીધા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ક્રેનને રિવર્સ ન લેવા માટે ચાલકને ચેતવવામાં આવ્યો હતો. જોકે, ત્યાર બાદ ક્રેન રિવર્સ લેવામાં આવી અને આમદ શેખ તેની નીચે આવી ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ નજીકના CCTV કેમેરામાં કેદ થયો છે.
અકસ્માત અંગે પોલીસ તપાસ
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. 108ની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. જોકે, ગંભીર ઈજાઓને કારણે આમદ શેખને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
અકસાત પછી ક્રેન ચાલક સ્થળ પરથી ફરાર થયો હોવાના અહેવાલો છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે અકસ્માતની પરિસ્થિતિ તથા ચાલકની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ચાલકને શોધવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
મળતી વિગતો મુજબ, આમદ શેખ ડ્રિલિંગ મશીન રિપેરિંગનું કામ કરતા હતા અને તેમના પરિવારમાં ચાર દીકરીઓ છે. તેમના અચાનક અવસાનથી પરિવાર પર આઘાત છવાયો છે.
