રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં 31 ઓક્ટોબરની મોડી રાત્રે ચાલી રહેલી બર્થડે પાર્ટી પર LCB ઝોન-2એ દરોડો પાડ્યો હતો. પાર્ટીમાં 43 પુરુષો અને 33 મહિલાઓ સહિત કુલ 76 લોકો હાજર હતા. પોલીસની પ્રાથમિક વિગતો પ્રમાણે, સ્થળેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
પોલીસે નોંધેલા કેસમાં પાર્ટીમાં સામેલ 35 વ્યક્તિઓ ઉપરાંત હોટેલના મેનેજર સહિત ત્રણ સર્વિસ સ્ટાફનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન 92થી વધુ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. કોને દારૂ પીધો હતો અને કોણ નશાની હાલતમાં હતું તે મેડિકલ રિપોર્ટ આવ્યા પછી સ્પષ્ટ થશે.
દારૂની વ્યવસ્થા કોણે કરી તેની તપાસ
પોલીસ હોટેલમાં પહોંચી ત્યારે ટેબલ પરના ગ્લાસમાં દારૂ ભરેલો હતો. સ્થળેથી અલગ-અલગ બ્રાન્ડની 750 MLની આશરે 11 ખાલી અને ભરેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હોવાનું પ્રાથમિક વિગતોમાં જણાવાયું છે. દારૂ સિવાય અન્ય કોઈ નશાકારક પદાર્થ મળ્યો ન હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.
પાર્ટીનું આયોજન ડેકોરા ગ્રુપના ચિરાગ અરવિંદ પટેલના જન્મદિવસ નિમિત્તે થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તેમની જન્મતારીખ 12 નવેમ્બર હોવાથી દિવાળીના સમયગાળાને ધ્યાનમાં રાખીને ઉજવણી અગાઉથી રાખવામાં આવી હતી. જોકે, દારૂની વ્યવસ્થા આયોજકોએ કરી હતી કે હોટેલ તરફથી થઈ હતી તે અંગે તપાસ ચાલુ છે.
પોલીસે હોટેલનાં CCTV ફૂટેજ અને અન્ય પુરાવા તપાસવાનું શરૂ કર્યું છે. હોટેલ મેનેજમેન્ટની ભૂમિકા સહિત પાર્ટીના આયોજન અને દારૂના સ્ત્રોત અંગે તપાસ આગળ વધશે. બ્લડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ પાર્ટીમાં દારૂના સેવન અંગે વધુ સ્પષ્ટતા થવાની અપેક્ષા છે.
