રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા રાહત દરે તબીબી તપાસની લેબોરેટરી સેવા શરૂ કરવામાં આવી છે. 2 ઓક્ટોબર, 2026થી શરૂ થયેલી આ સેવાનો હેતુ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને મોંઘા લેબોરેટરી રિપોર્ટના ખર્ચમાંથી રાહત આપવાનો છે.
ટ્રસ્ટના જણાવ્યા મુજબ લેબોરેટરીમાં તપાસો નહીં નફો, નહીં નુકસાનના ધોરણે કરવામાં આવશે. ખાનગી લેબોરેટરીની સરખામણીમાં વિવિધ રિપોર્ટના દર આશરે 70 ટકા સુધી ઓછા રાખવામાં આવ્યા છે. દર્દીઓ માટે ઘરેથી સેમ્પલ કલેક્શનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
વિવિધ તપાસ માટે નક્કી કરાયેલા દર
ડાયાબિટીસ પ્રોફાઇલનો દર 200 રૂપિયા, એડવાન્સ ડાયાબિટીસ પ્રોફાઇલનો 550 રૂપિયા અને CBC રિપોર્ટનો દર 70 રૂપિયા રાખવામાં આવ્યો છે. બ્લડ ગ્રુપ તપાસ 35 રૂપિયા, મેલેરિયા 100 રૂપિયા, ડેન્ગ્યુ 200 રૂપિયા અને લિપિડ પ્રોફાઇલ 170 રૂપિયામાં કરવામાં આવશે. વિટામિન B12 માટે 350 રૂપિયા અને વિટામિન D માટે 500 રૂપિયાનો દર નક્કી કરાયો છે.
ફુલ બોડી ચેકઅપ માટે 400થી 3200 રૂપિયા સુધીના પેકેજ ઉપલબ્ધ રહેશે. ટ્રસ્ટે લેબોરેટરીમાં આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી આપી છે.
આરોગ્યમંત્રીની ચેતવણી
લેબોરેટરીના લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ મેડિકલ ક્ષેત્રમાં દર્દીઓ પાસેથી અયોગ્ય વસૂલાત કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. તેમણે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સામે પણ આકરું વલણ વ્યક્ત કર્યું.
મંત્રીએ નાગરિકોને અતિશય સસ્તી ડેરી પ્રોડક્ટ્સ ખરીદતી વખતે સાવચેત રહેવાની અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
