રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા સપ્ટેમ્બર 2026 દરમિયાન મુસાફરોની સુરક્ષા અને રેલવે સંપત્તિના રક્ષણ માટે વિવિધ અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન 30 મુસાફરોનો ખોવાયેલો સામાન પરત કરવામાં આવ્યો હતો, જ્યારે ચેઈન પુલિંગના કેસોમાં 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

30 મુસાફરોનો રૂ.7,70,211નો સામાન પરત

રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ‘ઓપરેશન અમાનત’ હેઠળ RPFના જવાનોએ વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાંથી મુસાફરી દરમિયાન છૂટી ગયેલો સામાન શોધી કાઢ્યો હતો. કુલ 30 મુસાફરોનો રૂ.7,70,211ની કિંમતનો સામાન તેના મૂળ માલિકોને સોંપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ પરિવારથી વિખૂટા પડેલા બે બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનો સાથે મિલાવવામાં આવ્યા હતા. ‘ઓપરેશન ડિગ્નિટી’ અંતર્ગત અન્ય એક વ્યક્તિને શોધીને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.

ટિકિટ કાળાબજારી અને ચોરી સામે કાર્યવાહી

મુસાફરો અને રેલવે સંપત્તિની સુરક્ષા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ‘ઓપરેશન ઉપલબ્ધ’ હેઠળ રેલવે ટિકિટોનું કાળાબજાર કરતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

‘ઓપરેશન યાત્રી સુરક્ષા’ હેઠળ મુસાફરોના સામાનની ચોરીના એક કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને આગળની કાનૂની કાર્યવાહી માટે ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP)ને સોંપવામાં આવ્યો હતો.

ચેઈન પુલિંગના 28 કેસ નોંધાયા

ટ્રેનોના નિર્ધારિત સમયપત્રકને જાળવવા માટે ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સમય પાલન’ હેઠળ અનધિકૃત ચેઈન પુલિંગના કુલ 28 કેસ નોંધાયા હતા. આ કેસોમાં 20 આરોપીઓની ધરપકડ કરીને રેલવે એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

RPF દ્વારા ‘ઓપરેશન જનજાગરણ’ હેઠળ પણ વિવિધ સ્થળોએ લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સ્ટેશનો અને ચોકીઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં બેનરો, જાહેર પ્રસારણ પ્રણાલી અને સરપંચો સાથેની બેઠકો મારફતે રેલવે ટ્રેક ક્રોસ ન કરવા, ચાલુ ટ્રેન પર પથ્થરમારો ન કરવા, નશાથી દૂર રહેવા, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા મુદ્દાઓ અંગે લોકોને સમજાવવામાં આવ્યા હતા.