રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ અને જાહેરમાં ગંદકી સામે કાર્યવાહી વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો છે. હવે કોઈ વેપારી પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવશે તો તેની પાસેથી આ માલ ક્યાંથી ખરીદ્યો તેની માહિતી અને ખરીદીના સ્થળનું સરનામું લેવામાં આવશે.
ત્રણેય ઝોનમાં હાથ ધરાયેલી કામગીરી દરમિયાન મનપાએ કુલ 39 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન 42 આસામી પાસેથી કુલ રૂ.1,40,100નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
સપ્લાયરો સુધી પહોંચવાનો પ્રયાસ
પર્યાવરણ વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટમાં શાકભાજી, કરિયાણા સહિતના વિવિધ ધંધાર્થીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. આવા વેપારીઓને પ્લાસ્ટિકનો જથ્થો ફેરિયાઓ મારફતે મળતો હોવાની માહિતીના આધારે મનપા હવે સપ્લાયરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીના જણાવ્યા અનુસાર, અગાઉ અનેક વખત ફેરિયાઓને પકડવામાં આવ્યા છે. જોકે, મુખ્ય સપ્લાયરોના ગોડાઉન માલિયાસણ અને કુવાડવા વિસ્તારમાં હોવાની વિગતો સામે આવી છે.
મનપાની હદ બહાર આવેલા આવા સ્થળોએ સીધી કાર્યવાહી કરવાની સત્તા મહાનગરપાલિકા પાસે નથી. આ વિસ્તારોમાં ચેકિંગ અને કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવાની રહે છે. વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પ્લાસ્ટિક સપ્લાયરોના ગોડાઉન પર પૂરતું ચેકિંગ થયું નથી.
શહેરમાં બહારથી આવતો જથ્થો રોકવાનો પડકાર
મનપાના પર્યાવરણ વિભાગનું કહેવું છે કે સપ્લાયરો નાના ફેરિયાઓ મારફતે રાજકોટ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પહોંચાડે છે. તેથી માત્ર છૂટક વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાથી સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવતો નથી.
વેપારી પાસેથી ખરીદીના સ્થળની વિગતો મેળવવાનો નિર્ણય સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે લેવામાં આવ્યો છે. જોકે, શહેરની બહાર આવેલા ગોડાઉન સામે કાર્યવાહી માટે જિલ્લા વહીવટી તંત્રના સહયોગની જરૂર રહેશે.
