રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળવાળું ઘી વેચાતું હોવાની આશંકા સામે આવી છે. SOG અને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને એક ઘી ડેપો સહિત શહેરના વિવિધ મીઠાઈ અને ફરસાણના એકમોમાં તપાસ હાથ ધરી હતી.
અધિકારીઓએ કેવડાવાડી સ્થિત વોલ્ગા ઘી ડેપોમાંથી ઘીના છ નમૂના લીધા હતા. પ્રાથમિક તપાસમાં સોયાબીન ઓઈલ, વનસ્પતિ ઘી અને મિલ્ક ફેટના મિશ્રણથી ઘી તૈયાર કરવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થળ પરથી રૂ. 2,83,879ની કિંમતનો શંકાસ્પદ જથ્થો, વનસ્પતિ ઘીના ડબ્બા, બ્રાન્ડિંગ સ્ટીકરો અને પેકિંગ મશીનરી કબજે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
લેબોરેટરી રિપોર્ટ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે
તપાસ દરમિયાન હોમમેડ કાઉ ઘી, ગૌશાળાનું દેશી ગાયનું ઘી, કામધેનુ પ્રીમિયમ ઘી અને લૂઝ ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરના અન્ય ખાદ્ય એકમોમાંથી મીઠાઈ, મોદક, સોનપાપડી અને માવાના નમૂનાઓ પણ પૃથ્થકરણ માટે મોકલાયા છે.
ઘીમાં ખરેખર ભેળસેળ થઈ છે કે નહીં અને નિયમોનો ભંગ થયો છે કે નહીં, તે લેબોરેટરી રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.
