રાજકોટ શહેરમાં બાકી વીજ બિલની વસૂલાત માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા 29 સપ્ટેમ્બરે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. શહેરના તમામ સબ ડિવિઝન વિસ્તારમાં એકસાથે થનારી આ ઝુંબેશ દરમિયાન લાંબા સમયથી વીજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે જોડાણ કાપવાની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં આશરે 1.80 લાખ વીજ ગ્રાહકોના કુલ રૂ. 35.56 કરોડ બાકી હોવાનું સામે આવ્યું છે. આ રકમની વસૂલાત માટે PGVCLએ કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે. ઝુંબેશ દરમિયાન બાકી બિલ ધરાવતા ગ્રાહકોના વીજ જોડાણો કાપવામાં આવી શકે છે.
સબ ડિવિઝન કચેરીઓમાં વધારાના કાઉન્ટર
મોટી સંખ્યામાં ગ્રાહકો બાકી બિલ ભરવા માટે કચેરીઓમાં પહોંચે તેવી શક્યતા હોવાથી PGVCL દ્વારા સબ ડિવિઝન કચેરીઓમાં વધારાના વસૂલાત કાઉન્ટર શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગ્રાહકોને વીજ જોડાણ કપાવાની કાર્યવાહીથી બચવા માટે બાકી રકમ સમયસર ભરવા અપીલ કરવામાં આવી છે.
PGVCLની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બાકી વીજ બિલની વસૂલાત કરવાનો છે. 29 સપ્ટેમ્બરની ડ્રાઇવ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ વિભાગની ટીમો બાકીદારો સામે કાર્યવાહી કરશે. બાકી રકમ ભર્યા બાદ જ જોડાણ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
