રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે દિવાળીને ધ્યાનમાં રાખીને કરેલી વિશેષ તપાસમાં શહેરની ચાર પેઢીઓમાંથી લેવાયેલા પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. રિપોર્ટમાં અલગ-અલગ નમૂનાઓમાં ફોરેન ફેટ અને ભેજનું પ્રમાણ નિર્ધારિત મર્યાદાથી વધુ, જ્યારે મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું હોવાનું જણાયું. આ પેઢીઓ સામે એજ્યુડિકેશન કેસની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લાતી પ્લોટની શેરી નંબર 4 પર આવેલી ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સમાંથી લીધેલા છૂટા પનીરના નમૂનામાં ફોરેન ફેટનું પ્રમાણ ધોરણ કરતાં વધુ હતું. પુનિતનગર મેઇન રોડ પરની શ્રી ગાયત્રી ડેરીફાર્મના નમૂનામાં મિલ્ક ફેટ ઓછું મળ્યું. સામાકાંઠે સેટેલાઇટ ચોક પાસેના પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા અને ભક્તિનગરના વિજય પ્લોટ-11ના ખૂણે આવેલી ભગવતી ટ્રેડિંગમાંથી લીધેલા છૂટા પનીરમાં મિલ્ક ફેટ ઓછું હતું, જ્યારે ભેજ અને ફોરેન ફેટનું પ્રમાણ વધુ હતું.
તપાસમાં 62 પેઢીઓ આવરી લેવાઈ
દિવાળી નિમિત્તે હાથ ધરાયેલી આ ઝુંબેશમાં ફૂડ વિભાગે શહેરની કુલ 62 પેઢીઓની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન અખાદ્ય, વાસી, પડતર અને એક્સપાયર્ડ ખાદ્યસામગ્રીનો કુલ 269 કિલો જથ્થો સ્થળ પર જ નષ્ટ કરાયો.
મોરબી રોડ પુલ નીચે આવેલી ચામુંડા ફરસાણમાં આશરે 251 કિલો અખાદ્ય માલ મળ્યો. તેમાં ફરસાણમાં વપરાતો 21 કિલો વોશિંગ સોડા, 180 કિલો તીખી પાપડી, 30 કિલો તીખી સેવ અને 20 કિલો તીખી બુંદીનો સમાવેશ હતો. પેઢીને અસ્વચ્છ સ્થિતિ અને લાઇસન્સ અંગે નોટિસ અપાઈ તથા રૂ. 5,000 વહીવટી ચાર્જ વસૂલાયો. ફરસાણના ચાર નમૂના પરીક્ષણ માટે મોકલાયા.
સત્ય સાઈ રોડ પરના ધ હેમ્પર સ્ટોરમાંથી એક્સપાયર્ડ ચોકલેટ મોલ્ડ અને તેમાંથી તૈયાર કરાયેલી ડાર્ક ચોકલેટ સહિત 18 કિલો અખાદ્ય માલનો નાશ કરી રૂ. 2,000 વસૂલાયા. મવડી મેઇન રોડની અવધ ડેરીફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવાયો અને સ્વચ્છતા સુધારવા નોટિસ અપાઈ. ફૂડ લાઇસન્સ અંગેની સૂચનાઓ સાથે છ પેઢીઓ પાસેથી રૂ. 500 લેખે અને જીવરાજ પાર્કની ક્રિષ્ના ટ્રેડિંગ પાસેથી રૂ. 1,000 વહીવટી દંડ વસૂલાયો.
