રાજકોટ શહેરમાં નવરાત્રી અને દશેરાના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામાનો અમલ 6 ઓક્ટોબર 2026થી 20 ઓક્ટોબર 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં રહેશે. તેનો હેતુ તહેવારો દરમિયાન કાયદો-વ્યવસ્થા, જાહેર સલામતી અને શાંતિ જાળવવાનો છે.
લાઉડ સ્પીકર માટે અલગ સમયમર્યાદા
જાહેરનામા મુજબ 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી માઈક સિસ્ટમ, લાઉડ સ્પીકર અને અન્ય વાજીંત્રો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી જ વગાડી શકાશે. નવરાત્રીના દિવસો તથા દશેરા દરમિયાન, એટલે કે 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી, આ સમયમર્યાદા વધારીને રાત્રે 12 વાગ્યા સુધી કરવામાં આવી છે.
જાહેર સ્થળે અથવા બહારથી સાંભળી શકાય તેવી જગ્યાએ માઈક સિસ્ટમ અને વાજીંત્રો માટે અધિકૃત અધિકારીની લેખિત પરવાનગી લેવી પડશે. અવાજનું પ્રદૂષણ ન થાય અને નિર્ધારિત ધ્વનિ મર્યાદાનું પાલન થાય તેની જવાબદારી આયોજકોની રહેશે.
ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ અથવા ખાનગી મકાન જેવા બંધ સ્થળોએ યોજાતા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો માટે અલગ પરવાનગીની જરૂર રહેશે નહીં. જોકે, આવા સ્થળોની અંદર વગાડાતી સાઉન્ડ સિસ્ટમનો અવાજ બહાર ન પહોંચે તેની ખાસ કાળજી રાખવી પડશે.
સભા, રેલી અને સરઘસ માટે પૂર્વમંજૂરી જરૂરી
જાહેરનામા હેઠળ પરવાનગી વિના જાહેર જગ્યા અથવા રસ્તા પર ચારથી વધુ લોકો ભેગા થવા, સભા યોજવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સભા, રેલી અથવા ધરણાં માટે સંબંધિત પોલીસ અધિકારીની પૂર્વમંજૂરી લેવી પડશે.
એકથી વધુ પોલીસ સ્ટેશન વિસ્તારને આવરી લેતી પ્રવૃત્તિ માટે સંબંધિત ડીસીપીને, જ્યારે એક પોલીસ સ્ટેશન વિસ્તાર પૂરતી પ્રવૃત્તિ માટે સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરને ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં લેખિત અરજી કરવાની રહેશે.
નિયમભંગ બદલ સાધનો જપ્ત થઈ શકે
લાઉડ સ્પીકરની સમયમર્યાદા, પરવાનગી અથવા અવાજ નિયંત્રણના નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને નિયમભંગમાં વપરાયેલા વાહનો, માઈક સિસ્ટમ અને અન્ય સાધનો જપ્ત કરવાની સત્તા આપવામાં આવી છે. ફરિયાદ નોંધવાની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઉપરના હોદ્દાના અધિકારીઓ કરી શકશે.
