રાજકોટના ગાયકવાડી વિસ્તારમાંથી ગુમ થયેલો બાળક રેલવે પોલીસની શોધખોળ બાદ સલામત મળી આવ્યો છે. બાળકના પરિવારજનો રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ તપાસવા પહોંચ્યા ત્યારે તેમને 24 કલાક રાહ જોવાનું કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયા બાદ ફરજમાં બેદરકારીના આક્ષેપ હેઠળ મહિલા ASI કામિની મારણકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પરિવારના જણાવ્યા પ્રમાણે, બાળક રાત્રે મોબાઇલ પર વીડિયો ગેમ રમતો હતો. માતાએ ઠપકો આપતાં તે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. બાદમાં તેણે અજાણ્યા વ્યક્તિના મોબાઇલથી માતાને ફોન કરીને દ્વારકા જતો હોવાનું જણાવ્યું હતું. બાળકના પિતા કામસર સુરત ગયા હોવાથી માતાએ પોતાના ભાઈને જાણ કરી હતી. બાળકના મામા તેને શોધવા રાજકોટ રેલવે સ્ટેશન પહોંચ્યા અને પ્લેટફોર્મના CCTV ફૂટેજ જોવા માટે રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો.

દ્વારકાથી રાજકોટ સુધી શોધખોળ

ફૂટેજના આધારે રેલવે પોલીસની ટીમોએ જામનગર, ખંભાળિયા અને દ્વારકા તરફ તપાસ હાથ ધરી હતી. તપાસમાં બાળક દ્વારકા પહોંચ્યો હોવાનું અને ત્યાંની એક પાનની દુકાનમાંથી તેના નાનાજીને ફોન કર્યો હોવાનું સામે આવ્યું. તેની પાસે પૈસા ન હોવાથી દુકાનમાં રૂ. 300 ઓનલાઇન મોકલાવી લીધા હતા. આ માહિતીના આધારે ટીમ દ્વારકાની દુકાને પહોંચી અને CCTV ફૂટેજ તપાસ્યા.

બાળક દ્વારકા રેલવે સ્ટેશનથી ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાં બેઠો હોવાની શક્યતા જણાતાં રાજકોટ સ્ટેશન પર ટ્રેન તપાસવામાં આવી. ત્યાંથી બાળક મળી આવતાં તેને પરિવારને સોંપવામાં આવ્યો. પરિવારજનોએ બાળકને સલામત પરત લાવવા બદલ રેલવે પોલીસનો આભાર માન્યો.

બાળકને શોધવા માટે રાજકોટ રેલવે પોલીસ, જામનગર ડિવિઝનની ટીમો અને RPFના કર્મચારીઓએ તપાસમાં ભાગ લીધો હતો. અગાઉ પણ આ બાળક ઘરેથી નીકળી ગયો હતો અને તે સમયે રાજકોટ શહેરની AHTU ટીમે તેને શોધી કાઢ્યો હતો.