રાજકોટના મવડી વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલી બાદ પિતા-પુત્ર પર હુમલો થયાની ઘટના બની છે. ગંભીર રીતે ઘાયલ અજીતભાઈ સિંધવનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે તેમના પુત્ર કૃણાલભાઈની સારવાર ચાલુ છે. આ મામલે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ૮ નવેમ્બર ૨૦૨૬ની રાત્રે સાડા દસથી અગિયાર વાગ્યાની આસપાસ કૃણાલભાઈ ઘરે જઈ રહ્યા હતા. મારૂતીનંદનનગરની શેરી નંબર ૩માં બાપા સીતારામ ચોક પાસે બે ભાઈ ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન એક સળગતો ફટાકડો કૃણાલભાઈ તરફ ફેંકાયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તેમણે પૂછતાં બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. આસપાસના લોકો વચ્ચે પડતાં તે સમયે મામલો શાંત થયો હતો.
ફરિયાદ મુજબ, ૯ નવેમ્બરે મોડી રાત્રે આશરે અઢી વાગ્યે બંને આરોપીઓ ફરી કૃણાલભાઈના ઘરની ડેલી પાસે આવ્યા હતા. ત્યાં પથ્થરમારો અને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો પણ આક્ષેપ છે. અવાજ સાંભળીને કૃણાલભાઈ અને તેમના પિતા અજીતભાઈ બહાર આવ્યા હતા. ચોક પાસે એક આરોપીએ લાકડાના ટુકડાથી અજીતભાઈના માથા પર ઘા કર્યો હતો. પુત્ર બચાવવા વચ્ચે પડતાં તેના પર છરીથી હુમલો થયો હતો; અજીતભાઈને પણ ગંભીર ઇજાઓ થઈ હતી.
પિતા-પુત્રને સારવાર માટે મધુરમ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં અજીતભાઈનું મોત થયું હતું. કૃણાલભાઈની સારવાર ચાલુ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પોલીસે ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને યશરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૧૦૯(૧), ૨૯૬(બી), ૩૫૧(૩), ૩(૫) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર જયેશકુમાર મનસુખલાલ કૈલા તપાસ કરી રહ્યા છે.
