રાજકોટ જિલ્લામાં સસ્તા વ્યાજે લોન આપવાની લાલચ આપી ખેડૂતોની જમીન પડાવી લેવાના આક્ષેપોની તપાસ માટે રાજકોટ જિલ્લા પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. આ કેસમાં અલ્પેશ દોંગા સહિતના લોકો સામે તપાસ ચાલી રહી છે. પોલીસના પ્રાથમિક તારણો મુજબ, કૌભાંડનો વ્યાપ વધુ મોટો હોઈ શકે છે અને આંકડો ₹700 કરોડને પાર જવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.
આક્ષેપ છે કે ખેડૂતોને આર્થિક મુશ્કેલીના સમયમાં ઓછી વ્યાજદરે લોન આપવાની ઓફર કરવામાં આવતી હતી. ત્યારબાદ ‘સાટા ખત’ના નામે સીધા જમીનના વેચાણ દસ્તાવેજ કરાવવામાં આવતા હતા. જમીન પરત મેળવવા જતા ખેડૂતો પાસેથી લોનની રકમ કરતાં અનેકગણી વધુ રકમ માંગવામાં આવતી હોવાનો પણ આરોપ છે.
ASP સિમરન ભારદ્વાજના નેતૃત્વમાં તપાસ
SITનું નેતૃત્વ ASP સિમરન ભારદ્વાજને સોંપવામાં આવ્યું છે. ટીમમાં 2 DySP, 2 PI, 2 PSI ઉપરાંત 2 નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેથી જમીનના દસ્તાવેજો અને મહેસૂલી નોંધોની પણ તપાસ થઈ શકે.
તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 126 વીઘા જમીન સંબંધિત દસ્તાવેજો સામે આવ્યા છે. પોલીસ દ્વારા 36 દસ્તાવેજો જપ્ત કરીને તેની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ ખેડૂતો ફરિયાદ લઈને આગળ આવી રહ્યા હોવાની માહિતી પણ સામે આવી છે.
વધુ ગુના નોંધવાની કાર્યવાહી
અલ્પેશ દોંગા સામે ગોંડલ અને લોધિકા પોલીસ મથકમાં વધુ એક ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. કાલાવડ પોલીસ મથકમાં પણ ત્રણ ગુના નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાંથી ચાર જેટલા ખેડૂતો દ્વારા પોલીસ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે.
પોલીસ હવે ફરિયાદો, જમીનના વેચાણ દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની કડીઓ તપાસી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કૌભાંડના કુલ વ્યાપ અને સંડોવાયેલા અન્ય લોકો અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.
