રાજકોટના કૃષ્ણનગર વિસ્તારમાં PCBની ટીમે દારૂ ભરેલી મારુતિ સિયાઝ કાર ઝડપી પાડી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે 561 બોટલ દારૂ સાથે રમકડાના વેપારી વિનય રમેશભાઈ મહેતા, ઉંમર 49 વર્ષ,ની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, કાર્યવાહી કૃષ્ણનગર શેરી નંબર-10માં રુદ્રાક્ષ કોમ્પલેક્ષ સામેના રોડ પરથી કરવામાં આવી હતી. ઝડપાયેલા દારૂની કિંમત રૂ. 2,42,451 હોવાનું જણાવાયું છે. દારૂ અને કાર સહિત કુલ રૂ. 6,42,451નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, આરોપી રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવી રાજકોટમાં છૂટક વેચાણ કરે તે પહેલાં જ PCBની ટીમે તેને ઝડપી લીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આરોપી મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહે છે અને રમકડાંનો વેપાર કરે છે. આ કેસમાં દારૂના જથ્થાના સ્ત્રોત તથા તેને પહોંચાડવામાં સંકળાયેલા અન્ય લોકો અંગે તપાસ ચાલી રહી છે.
