રાજકોટના રૈયા ગામમાં મુક્તિધામ સામે આવેલી ખોડિયારનગરની શેરીમાં પાડોશી પરિવાર સાથેના વિવાદ બાદ આઠેક વાહનો સળગાવવાની અને મકાન તથા CCTV કેમેરામાં તોડફોડની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી રણજીતભાઈ પરમારે નુકસાન રૂ. 26.50 લાખ જેટલું થયાનું જણાવ્યું છે. ગાંધીગ્રામ-2 પોલીસે ફીઝા અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, 8 નવેમ્બરની રાત્રે રણજીતભાઈ મિત્ર સાથે કારમાં રણુજા મંદિરે દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન તેમના પુત્ર પાર્થનો ફોન આવ્યો કે પાડોશમાં રહેતા રાબિયાબેન અને તેમના પરિવારના સભ્યો સાથે ઝઘડો થયો છે. રણજીતભાઈ ઘરે પહોંચ્યા ત્યારે પુત્રએ જણાવ્યું કે રાબિયાબેન અને તેમની પુત્રી ફીઝા ઝઘડા બાદ સારવાર માટે દવાખાને ગયાં હતાં. ફરિયાદ મુજબ, જતાં પહેલાં ફીઝાએ બદલો લેવાની વાત કરી હતી.
પરિવાર મધરાતે મોરબીના રવાપર રોડ પર આવેલા બીજા ઘરે જવા નીકળ્યો હતો. ટંકારા નજીક પહોંચ્યા પછી તેમણે ઘરના લાઇવ CCTVમાં બે શખ્સોને કાચની બોટલો મકાન તરફ ફેંકતા જોયા હોવાનું ફરિયાદમાં કહેવાયું છે. વહેલી સવારે પાંચેક વાગ્યે બે અજાણ્યા શખ્સો ફરી મકાન પાસે આવ્યા હતા. ત્યારબાદ એક શખ્સે પુત્રની થારને આગ લગાડી હતી.
ફરિયાદી પરિવારના જણાવ્યા પ્રમાણે, થારની બાજુમાં પાર્ક કરેલી એન્ડેવર, જીપ ટુકડો અને અન્ય વાહનો આગની લપેટમાં આવ્યાં હતાં. તેમાં બુલેટ સહિતનાં ટુ-વ્હીલર પણ હતાં. આગથી કુલ આઠેક વાહનોને નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
ઘરે પરત ફર્યા બાદ રણજીતભાઈને ફીઝા મળી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે ફીઝાએ પોતાના મિત્રોને બોલાવી મકાનની બારીઓને નુકસાન પહોંચાડ્યું અને વાહનો સળગાવ્યાં હોવાનું કહ્યું હતું. તપાસ દરમિયાન મકાનની બારીઓ અને CCTV કેમેરા તૂટેલા મળ્યાનું પણ ફરિયાદમાં નોંધાયું છે. પોલીસે ફીઝા તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે; તેમની ઓળખ, ઘટનાની વિગતો અને નુકસાન અંગેની તપાસ ચાલુ છે.
