રાજકોટના જંગલેશ્વરમાં ફેબ્રુઆરીમાં થયેલી મેગા ડિમોલિશન ડ્રાઇવના ખર્ચની તપાસમાં ખાનગી એજન્સીઓએ વાસ્તવિક ખર્ચ કરતાં રૂ. 18.72 લાખનાં વધારાનાં બિલ રજૂ કર્યાં હોવાનું તપાસ સમિતિએ નોંધ્યું છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સમિતિનાં તારણો જાહેર કરતાં જણાવ્યું કે, રૂ. 13.29 લાખની ચૂકવણી અટકાવવામાં આવી છે, જ્યારે અગાઉ ચૂકવાયેલા રૂ. 5.43 લાખની વસૂલાત કરાશે. આ સમગ્ર કામગીરી પાછળ મહાનગરપાલિકાનો કુલ ખર્ચ રૂ. 2.73 કરોડ થયો હતો.
તપાસ સમિતિની રચના ડિમોલિશનના ખર્ચ અંગે ગેરરીતિના આક્ષેપો બાદ કરાઈ હતી. શરૂઆતમાં તપાસ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીને સોંપાઈ હતી. નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઊઠતાં તપાસ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર કે. પી. જોશીની અધ્યક્ષતાવાળી સમિતિને સોંપાઈ. તેમની બદલી બાદ મહિપાલસિંહ ચુડાસમા સમિતિના અધ્યક્ષ બન્યા હતા.
કયા બિલોમાં વાંધા નોંધાયા
સમિતિએ સ્ટાફના ભોજન, ચા-નાસ્તા, લીંબુ શરબત, પીવાના પાણી, વાહનો, લાઇટિંગ, LED ટીવી, મંડપ, વીડિયોગ્રાફી અને ડ્રૉન સર્વેલન્સના ખર્ચમાં ક્ષતિઓ દર્શાવી છે. ભોજન અને અન્ય સેવાઓ સાથે જોડાયેલી ચાર એજન્સીઓને આપવાની રકમમાંથી રૂ. 13.29 લાખ અટકાવાયા છે. તેમાં મંડપનાં બિલમાંથી રૂ. 11.65 લાખથી વધુની કપાતનો સમાવેશ થાય છે. ચા-નાસ્તાની એક હોટેલના બિલમાંથી રૂ. 57,420 ચૂકવાયા નથી.
ખાનગી વાહનોનાં બિલમાં વધારાની રકમ જણાતાં અગાઉ ચૂકવાયેલા બિલમાંથી રૂ. 1.28 લાખથી વધુ પાછા મેળવવામાં આવશે. લાઇટિંગના બિલમાંથી રૂ. 1.02 લાખ અટકાવાયા છે; LED ટીવીનાં બિલમાંથી રૂ. 3,977 ચૂકવાયા નથી. અગાઉ ચૂકવાયેલા વીડિયોગ્રાફી અને ડ્રૉન સર્વેલન્સના ખર્ચમાંથી અનુક્રમે રૂ. 3.17 લાખ અને રૂ. 97,600ની વસૂલાત કરાશે. આ કપાત અને વસૂલાત મળીને રૂ. 18.72 લાખ થાય છે.
અહેવાલ અંગે જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભોજન માટે દર્શાવાયેલી લંચ ડિશની સંખ્યા અને કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓની સંખ્યા વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો. તેમના કહેવા પ્રમાણે, વાહનો માટેના બિલમાં દર્શાવેલી વ્યવસ્થા અને વાસ્તવમાં પૂરા પાડવામાં આવેલા વાહનો વચ્ચે પણ વિસંગતતા હતી. વીડિયોગ્રાફી માટે બિલમાં દર્શાવેલા પ્રકારના કૅમેરાથી કામ થયું ન હોવાનું પણ તપાસમાં ધ્યાન પર આવ્યું. કમિશનરે અહેવાલની સંપૂર્ણ નકલ જાહેર કરી નથી.
અધિકારીઓ સામે તપાસ, અહેવાલ જાહેર કરવાની માગ
મહાનગરપાલિકાએ સાંસ્કૃતિક વિકાસ વિભાગના મૅનેજર કૌશિક ઉનાવાને સસ્પેન્ડ કરી તેમની સામે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે. આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણી અને સેન્ટ્રલ વર્કશૉપના નાયબ કાર્યપાલક ઇજનેર જગદીશ શીંગાળા સામે પણ ખાતાકીય તપાસ થશે. કમિશનરના જણાવ્યા મુજબ, સંબંધિત વિભાગોની કામગીરીમાં બિલની ક્ષતિ, રેટમાં ફેરફાર અને વધુ ચૂકવણીને કારણે આ કાર્યવાહી કરાઈ છે.
ઉનાવાએ કહ્યું કે તેમને અહેવાલની સત્તાવાર નકલ મળી નથી અને તેનો અભ્યાસ કર્યા બાદ જ તેઓ વિગતો અંગે કહી શકશે. વાંકાણીએ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે શીંગાળાએ પણ અહેવાલ મળ્યા બાદ જ જવાબ આપી શકાશે તેમ કહ્યું હતું. વિપક્ષનાં નેતા દીપ્તિબહેન સોલંકીએ તપાસ યોગ્ય રીતે થઈ ન હોવાનો આક્ષેપ કર્યો અને આખો અહેવાલ જાહેર કરવાની માગ કરી. મેયર ડૉ. નેહલ શુક્લએ જણાવ્યું કે અહેવાલ તેમને સીલબંધ કવરમાં મળ્યો છે અને રાજકોટ પરત આવ્યા બાદ તેઓ તેનો અભ્યાસ કરશે.
