રાજકોટની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અદાલતે ચેક રિટર્નના કેસમાં ઈન્ફીનીટી એકઝીમ પેઢીના ત્રણ ભાગીદારોને દોષિત ઠેરવી બે-બે વર્ષની કેદની સજા ફટકારી છે. ફરિયાદી શાબ્બીરહુસેન ઘોણીયાને રૂ. 17,06,608 વળતર તરીકે એક મહિનાની અંદર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. સમયમર્યાદામાં રકમ ન ચૂકવાય તો વધુ છ મહિનાની સાદી કેદ ભોગવવાની રહેશે.
સજા પામેલા ભાગીદારોનાં નામ દર્શક અશ્વિન ચનીયારા, ઉદયકુમાર વસંતભાઈ શીરા અને હસ્તી હરીભાઈ બેરા છે. કેસ વાંકાનેર તાલુકાના ભલ ગામે આવેલી જી.એમ. સ્ટીલ સાથેના વેપારી વ્યવહારને લગતો હતો. ફરિયાદી આ ભાગીદારી પેઢીના ભાગીદાર છે. ઈન્ફીનીટી એકઝીમે તેમની પેઢી પાસેથી ઇંગોટ ખરીદ્યા હતા અને બાકી ચૂકવણી માટે જુદા જુદા ચેક આપ્યા હતા. ચેક અપૂરતા નાણાંને કારણે બેંકમાંથી પરત ફર્યા હતા.
નોટિસ બાદ પણ બાકી રકમ ન ચૂકવાઈ
ફરિયાદી તરફથી કાનૂની નોટિસ મોકલ્યા બાદ પણ ચુકવણી ન થતાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કેસની કાર્યવાહી દરમિયાન આરોપીઓએ ફરિયાદી પેઢીના ખાતામાં સમયાંતરે રૂ. 10,00,000 જમા કરાવ્યા હતા. બાકી રહેલી રૂ. 17,06,608ની રકમ અંગે કેસ આગળ ચાલ્યો હતો.
સુનાવણી દરમિયાન આરોપી પક્ષે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા અને ફરિયાદીના પુરાવા સામે દલીલો કરી હતી. ફરિયાદી પક્ષે ચેક અને તેના પરની સહીનો ઇનકાર ન થયો હોવાની દલીલ સાથે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે મૌખિક તથા દસ્તાવેજી પુરાવા અને બંને પક્ષની રજૂઆતો તપાસ્યા બાદ ફરિયાદી પક્ષનો કેસ સ્વીકાર્યો.
ચુકાદા મુજબ દેવાની ચૂકવણી માટે ચેક અપાયા હતા અને ચેક પરત ફર્યા બાદ નોટિસ છતાં બાકી નાણાં ચૂકવાયા નહોતા. આ આધારે અદાલતે ત્રણેય ભાગીદારોને દોષિત ઠેરવી સજા અને વળતરનો હુકમ કર્યો છે.
