રાજકોટમાં તન્વી ગ્રૂપના કર્મચારી લાલજીભાઈ સરધારાની હત્યા કરીને સોના-ચાંદીનો જથ્થો લૂંટવાના કેસમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી લૂંટાયેલો તમામ મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસનું કહેવું છે કે કંપનીનો એક વર્તમાન અને એક ભૂતપૂર્વ કર્મચારી આ કાવતરામાં સંડોવાયેલા હતા.

બુધવારે સાંજે આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રિફાઇનરીમાંથી શુદ્ધ થયેલું સોનું અને ચાંદી લેવા લાલજીભાઈ સરધારા સિક્યૉરિટી ગાર્ડ સાથે ગયા હતા. કંપનીના સ્થાપક બિપિન વિરડિયાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, રિફાઇનરીમાંથી ફોન કરીને આશરે 946 ગ્રામ સોનું અને બે કિલો ચાંદી તૈયાર હોવાની જાણ કરાઈ હતી. સાંજે સાડા સાત વાગ્યે લાલજીભાઈ અને ગાર્ડને જથ્થો લેવા મોકલવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે રિફાઇનરીની બહાર લાલજીભાઈ થેલો લઈને સ્કૂટર પર બેઠા ત્યારે હુમલાખોરોએ થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો. તેમણે પ્રતિકાર કરતાં એક આરોપીએ ગોળીબાર કર્યો અને લાલજીભાઈને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ. તેમને ખાનગી હૉસ્પિટલ લઈ જવાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. ઘટના સ્થળના CCTV ફૂટેજ તપાસનો ભાગ બન્યા હતા.

કર્મચારીની માહિતીથી ઘડાયું કાવતરું

પોલીસના જણાવ્યા મુજબ, ભૂતપૂર્વ કર્મચારી અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ આશરે છ મહિના પહેલાં સુધી તન્વી ગ્રૂપમાં કામ કરતો હતો. પોલીસ અધિકારીએ દાવો કર્યો કે નોકરી છૂટ્યા બાદ તેણે લૂંટનું કાવતરું ઘડ્યું અને વર્તમાન કર્મચારી શૈલેષકુમારે તેને કંપનીની હિલચાલ અંગે માહિતી આપી. બનાવના દિવસે પણ શૈલેષકુમાર લૂંટારાઓને પળેપળની જાણ કરતો હતો, એવો પોલીસનો આરોપ છે.

પોલીસે જણાવ્યું કે લૂંટમાં 10 પુરુષો સામેલ હતા. તેઓ મધ્ય પ્રદેશ થઈને બે કારમાં ગુજરાત આવ્યા હતા. લૂંટ બાદ એક જૂથ ચોટીલા પહોંચ્યું, જ્યાં બીજી કાર રાહ જોઈ રહી હતી. ત્યાર પછી આરોપીઓ અલગ-અલગ દિશામાં નીકળ્યા. રાજકોટ પોલીસે CCTV અને અન્ય ટેક્નિકલ માહિતીના આધારે રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો હતો. સિરોહી જિલ્લાના પિંડવાડા અને ઉદયપુર જિલ્લાના બડગાંવમાંથી આરોપીઓને ઝડપી લેવાયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, સોના-ચાંદીનો જથ્થો કારની સીટ અને આરોપીઓના બૂટના તળિયામાં સંતાડવામાં આવ્યો હતો.

રાજકોટ સોના-ચાંદીના દાગીના બનાવવાનું મોટું કેન્દ્ર છે અને આ ઉદ્યોગમાં અન્ય રાજ્યોમાંથી આવેલા કારીગરો પણ કામ કરે છે. રાજકોટ ગોલ્ડ ડીલર્સ ઍસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ બનાવથી ઉદ્યોગમાં ચિંતા હોવાનું જણાવ્યું હતું. તેમણે વેપારીઓને સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા, મોટા જથ્થાની હેરફેર સ્કૂટર કે મોટરસાઇકલને બદલે કારમાં કરવા અને સાથે વધુ કર્મચારીઓ રાખવાની અપીલ કરી હતી.