દિવાળી પહેલાં રાજકોટમાં ફટાકડાના વેચાણ માટે હંગામી સ્ટોલ ઊભા કરવાની મંજૂરી પ્રક્રિયા ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગને અત્યાર સુધીમાં કુલ 373 અરજીઓ મળી છે. વિભાગે 299 સ્થળની તપાસ કરીને અભિપ્રાય આપ્યો છે, જ્યારે નિયમોનું પાલન ન થવાને કારણે 7 અરજીઓ નામંજૂર કરી છે. બાકીની 67 અરજીઓ માટે સ્થળ તપાસ ચાલુ છે.

ફાયર વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, 500 ચોરસ મીટર સુધીની જગ્યામાં ફટાકડાનો વેપાર કરવા માટે ગત વર્ષના નિયમ પ્રમાણે ફાયર NOC લેવાની જરૂર નથી. જોકે, ફાયર વિભાગનો અભિપ્રાય મેળવવો જરૂરી છે. આ અભિપ્રાય પછી જ પોલીસ તરફથી મંજૂરી આપવામાં આવે છે. એટલે NOCની છૂટ હોય ત્યાં પણ સ્થળની તપાસ અને ફાયર સુરક્ષાનાં સાધનોની ચકાસણીની પ્રક્રિયા લાગુ પડે છે.

સ્ટોલ પર કયા સુરક્ષા સાધનો જરૂરી

હંગામી લાઇસન્સ માટેના ફટાકડા વેચાણ સ્ટોલ પર 1,000 લીટર પાણીની ક્ષમતાવાળી ટાંકી અથવા હોઝ રીલ રાખવી ફરજિયાત છે. આગ પર કાબૂ મેળવવા માટે CO₂ અને ABC પ્રકારનાં ફાયર એક્સ્ટિંગ્વિશર તથા ફાયર મોડ્યુલ જેવા પ્રાથમિક સુરક્ષા સાધનો પણ રાખવાના રહે છે. સ્થળ તપાસ દરમિયાન વેપારીને આ સાધનોનો ઉપયોગ આવડે છે કે નહીં તે પણ ચકાસવામાં આવે છે. તપાસ પછી ફાયર વિભાગ પોતાનો અભિપ્રાય આપે છે.

બે ફાયર સ્ટેશનની અરજીઓ નામંજૂર

મળેલી 373 અરજીઓ રાજકોટનાં આઠ ફાયર સ્ટેશનમાં વહેંચાયેલી છે. તેમાં રામાપીર સ્ટેશનમાં 46, કોઠારિયામાં 27, મવડીમાં 59, રેલનગરમાં 27, ERCમાં 51, કનક રોડમાં 43, કાલાવડ રોડમાં 59 અને બેડીપરામાં 61 અરજીઓ આવી છે. નામંજૂર થયેલી સાત અરજીઓમાંથી પાંચ રામાપીર અને બે રેલનગર ફાયર સ્ટેશનની છે.

નાના વેપારીઓને અરજી માટે વધુ સમય મળે તે હેતુથી ધનતેરસ સુધી અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. બાકી રહેલી અરજીઓની સ્થળ તપાસ પૂરી થયા પછી જ તે અંગે ફાયર વિભાગનો અભિપ્રાય અપાશે. ત્યારબાદ પોલીસની મંજૂરીની પ્રક્રિયા આગળ વધશે.