દિવાળીના તહેવાર પહેલાં રાજકોટ શહેરમાં મીઠાઈ, ફરસાણ અને મુખવાસ વેચતી 46 પેઢીઓમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 22 કિલો અખાદ્ય, વાસી, પડતર અને એક્સપાયર્ડ જથ્થો જપ્ત કરીને સ્થળ પર જ નાશ કરાયો હતો. ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ, 2006 હેઠળ 12 ખાદ્ય નમૂના લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેમના પરીક્ષણના પરિણામો અંગે હાલ કોઈ માહિતી આપવામાં આવી નથી.

તપાસમાં નિયમોનું પાલન ન થતું હોવાનું જણાયેલી પાંચ પેઢીઓને લાયસન્સ, સંગ્રહ અને સ્વચ્છતા સંબંધિત બાબતોમાં નોટિસ આપવામાં આવી હતી. ઝુંબેશ દરમિયાન કુલ રૂ.3,500નો વહીવટી ચાર્જ પણ વસૂલાયો હતો.

તપાસમાં નોંધાયેલી ખામીઓ

એ.જી. ચોક, પુષ્કરધામ રોડ કોર્નર પાસેની હરિયોગી લાઈવ પફમાં લાયસન્સ દર્શાવાયું ન હોવાનું નોંધાયું હતું. ત્યાંથી લેબલ વગરનાં 12 લિટર પડતર ઠંડાં પીણાંનો નાશ કરાયો અને રૂ.1,000નો વહીવટી ચાર્જ વસૂલાયો. પરાબજારમાં આવેલી માં વૈષ્ણવી કેળાં વેફરમાં સ્વચ્છતા જાળવવા નોટિસ અપાઈ હતી. ત્યાંથી 10 કિલો દાજિયું તેલ જપ્ત કરીને નાશ કરાયું અને રૂ.500 વસૂલાયા.

લાખના બંગલા મેઇન રોડ પરની જય દ્વારકાધીશ ચાઈનીઝ પંજાબીમાં સ્વચ્છતા તથા યોગ્ય સંગ્રહ અંગે નોટિસ આપી રૂ.1,000નો ચાર્જ વસૂલાયો. ગાંધીગ્રામના શ્રી બાલાજી ફરસાણ માર્ટને ખાદ્ય તેલ કે ઘીનો પ્રકાર દર્શાવતું બોર્ડ લગાવવા અને મીઠાઈ પર ‘યુઝ બાય’ તારીખ દર્શાવવા કહેવામાં આવ્યું હતું. અહીં રૂ.1,000નો ચાર્જ વસૂલાયો અને ગુંદીના લાડુ તથા ચવાણાના નમૂના લેવાયા.

લેબોરેટરી માટે મોકલાયેલા નમૂના

નંદા બ્રધર્સમાંથી ચોકો બોલ કન્ફેક્શનરી અને મિક્સ મુખવાસના નમૂના લેવાયા. રામેશ્વર ડેરીફાર્મમાંથી ભાખરવડી નમકીન તથા કાજુ કતરી, અમૃત મુખવાસમાંથી તલ-અળસીનો મિક્સ મુખવાસ તથા મીઠા પાન મસાલા માઉથ ફ્રેશનર અને પ્રકાશ સ્ટોર્સમાંથી મીઠા આમળા કેન્ડી તથા તલ-ધાણાદાળ મિક્સ મુખવાસના નમૂના પરીક્ષણ માટે મોકલાયા. પટેલ સ્વીટ્સ એન્ડ ડેરી ફાર્મમાંથી કાજુ કેરેમલ લાડુ અને મકાઈ પૌવા ડ્રાયફ્રુટ ચેવડાના નમૂના લેવાયા. એ.જી. ચોકની આશાપુરા હોટલને લાયસન્સ દર્શાવવા અંગે નોટિસ આપવામાં આવી હતી.