દિવાળી દરમિયાન આગ કે અન્ય કટોકટીની સ્થિતિમાં ઝડપથી પહોંચી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગે શહેરમાં ખાસ વ્યવસ્થા ગોઠવી છે. કાયમી 6 ફાયર સ્ટેશનો ઉપરાંત અલગ-અલગ સ્થળે 8 હંગામી સ્ટેશનો ઊભાં કરાયાં છે. તમામ કાયમી અને હંગામી સ્ટેશનોના મળીને 180થી વધુ જવાનો 24 કલાક સ્ટેન્ડબાય રહેશે.
રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એમ.કે. જૂનેજાના જણાવ્યા અનુસાર, દિવાળીમાં ફટાકડા અને આતશબાજીને કારણે આગના બનાવોનું જોખમ વધતું હોવાથી આ આયોજન કરાયું છે. શહેરના ગીચ વિસ્તારો અને તહેવારની ભીડને ધ્યાનમાં રાખીને ફાયર ટીમો તૈયાર રાખવામાં આવી છે. હંગામી સ્ટેશન દીઠ એક ફાયર ફાઇટર અને છ ફાયરમેનની ટીમ 24 કલાક હાજર રહેશે.
સાંકડી ગલીઓ માટે મિની અને બાઇક ફાયર ફાઇટર
જૂના રાજકોટના ગીચ વિસ્તારો, બજારો અને સાંકડી શેરીઓમાં મોટા ફાયર વાહનોને પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે. આવી જગ્યાએ ઝડપથી પહોંચી શકાય તે માટે મિની ફાયર ફાઇટર અને બાઇક ફાયર ફાઇટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિભાગનો હેતુ આગની જાણ થતાં ટીમોને ઝડપથી ઘટનાસ્થળે મોકલી જાનમાલનું નુકસાન ઓછું કરવાનો છે.
ફાયર વિભાગ પાસે આશરે 458 કર્મચારીઓનો સ્ટાફ છે. આશરે 60 ફાયર ફાઇટર, મિની ફાયર ફાઇટર અને આગ બુઝાવવાનાં અન્ય વાહનો કાર્યરત સ્થિતિમાં તૈયાર રાખવામાં આવ્યાં છે. તહેવારની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે. ધનતેરસથી દિવાળી અને નવા વર્ષની શરૂઆત સુધી જવાનો રાત-દિવસ ફરજ પર રહેશે.
વિભાગને અગાઉના બે દિવસમાં આગ અને અન્ય ઇમરજન્સી સંબંધિત 50થી વધુ કોલ મળ્યા હતા. દિવાળીના દિવસે ફટાકડાને કારણે કોલ વધી શકે એવી શક્યતા વિભાગે વ્યક્ત કરી છે. તેથી વધારાના સ્ટેશનો, વાહનો અને કર્મચારીઓને તૈયાર રાખવામાં આવ્યા છે.
