રાજકોટ શહેરમાં નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષા અંગે પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. નવરાત્રી પૂર્વે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવાએ ખેલૈયાઓ અને નાગરિકોને સંબોધન કર્યું હતું.
DCP જગદીશ બાંગરવાએ બહેન-દીકરીઓની સુરક્ષાને માત્ર પોલીસ તંત્રની નહીં, પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી ગણાવી હતી. ગરબા મહોત્સવ દરમિયાન મોડી રાત્રે આવનજાવન કરતી મહિલાઓ અને યુવતીઓને કોઈ અડચણ કે અસલામતી ન થાય તે માટે નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ તેવી અપીલ તેમણે કરી હતી.
સુરક્ષા માટે 112 અને 181 પર સંપર્ક
કોઈ અનિચ્છનીય ઘટના, પજવણી અથવા તાત્કાલિક મદદની જરૂરિયાત ઊભી થાય તો ખેલૈયાઓ અને નાગરિકોને 112 હેલ્પલાઇન, 181 અભયમ સેવા અથવા સ્થાનિક ‘શી ટીમ’નો સંપર્ક કરવા જણાવાયું છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ દીકરીઓની સુરક્ષા માટે સંકલ્પ પણ લીધો હતો.
નશો અને બેદરકારીથી દૂર રહેવા અપીલ
નવરાત્રી દરમિયાન યુવાધનને દારૂ અને ડ્રગ્સ સહિતના નશાથી સંપૂર્ણપણે દૂર રહેવા DCPએ ચેતવણી આપી હતી. તેમણે કાયદાનું પાલન કરવાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, “કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.”
ઉત્સવ દરમિયાન અકસ્માત અને ટ્રાફિક જામ ટાળવા માટે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. ખાસ કરીને મોડી રાત્રે કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરતી વખતે ઝડપથી વાહન ન ચલાવવું, ટ્રાફિક વ્યવસ્થા જાળવવી અને જાહેર સલામતીને પ્રાથમિકતા આપવી જરૂરી હોવાનું જણાવાયું હતું.
રાજકોટ પોલીસ કમિશનરે પણ નવરાત્રી અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યું છે. આ સમગ્ર વ્યવસ્થાનો હેતુ તહેવાર દરમિયાન શાંતિ, સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવવાનો છે.
