રાજકોટમાં ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ ટ્રસ્ટ દ્વારા 52મો વિદ્યા સત્કાર સમારોહ યોજાયો હતો. સમારોહમાં ક્ષત્રિય સમાજના 500થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો હતો. ધોરણ 5થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું બહુમાન
સમારોહમાં શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત રાજકીય ક્ષેત્ર, પોલીસ વિભાગ અને તબીબી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર સમાજના શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થા છેલ્લા 52 વર્ષથી આ પ્રકારનો સમારોહ યોજીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહી છે.
આ કાર્યક્રમમાં રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહીડા અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અને પોતાની પ્રતિભા વિકસાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ દ્વારા દર વર્ષે શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. વિદ્યા સત્કાર સમારોહ ઉપરાંત સંસ્થા શસ્ત્રપૂજન, શોભાયાત્રા, રાસોત્સવ અને તબીબી ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ પણ યોજે છે.
