રાજકોટ શહેરની ભાગોળે આવેલી બેડી ચોકડી નજીક બુધવાર, 30 સપ્ટેમ્બરની મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક ટ્રકના ચાલક ધરમશાભાઈ શામરાભાઈ પંડિતનું ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મૃતક ધરમશાભાઈ પંડિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામદેવળિયા ગામના રહેવાસી હતા અને તેમની ઉંમર 35 વર્ષ હતી. તેઓ પડાણા ગામેથી ટ્રકમાં કોલસો ભરીને તાપી જિલ્લાના સોનગઢ તરફ જઈ રહ્યા હતા.

બેડી ચોકડી પાસે સામસામે અથડામણ

મળતી વિગતો પ્રમાણે, રાત્રે આશરે દોઢ વાગ્યે તેમના ટ્રકનો બેડી ચોકડી નજીક અન્ય એક ટ્રક સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ધરમશાભાઈને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબી તપાસમાં તેમને મૃત જાહેર કરાયા હતા.

અકસ્મતમાં સામેલ અન્ય ટ્રકનો નંબર જીજે-12-બીવાય-5482 હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં આ ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ધરમશાભાઈના ટ્રક સાથે ટક્કર મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

આ બનાવ અંગે મૃતકના મિત્ર અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા દેવાભાઈ દેવશાભાઈ આંબલિયાએ રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અન્ય ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર, ધરમશાભાઈ અને દેવાભાઈ ટ્રાન્સપોર્ટનું કામ ભાગીદારીમાં કરતા હતા. અકસ્માત પહેલાં ધરમશાભાઈએ ફાસ્ટેગનું બેલેન્સ પૂરું થઈ ગયું હોવાની જાણકારી આપવા માટે દેવાભાઈ સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ અકસ્માતની જાણ થતાં પરિવારજનો રાજકોટ પહોંચ્યા હતા.