રાજકોટ જિલ્લાના પડધરી હાઇવે પર હોટલ નજીકથી રાજકોટ SOGએ એમ્બરગ્રીસ સાથે છ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા 1 કિલો 20 ગ્રામ એમ્બરગ્રીસનું મૂલ્ય રૂ. 1 કરોડ છે. કાર અને છ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે.

SOGએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન સેલેરિયા કારને અટકાવી તપાસ કરતાં એમ્બરગ્રીસ મળ્યું હતું. પોલીસના પ્રાથમિક તારણ મુજબ, છ શખ્સો તેના માટે ગ્રાહક શોધવા પડધરી તરફ આવ્યા હતા.

ઝડપાયેલા શખ્સોમાં મોરબીના ભાનુ ઉર્ફે ભાવેશ ચાવડા, મેહુલ જગદીશ રાઠોડ અને વિજયસિંહ નારુભા ઝાલાનો સમાવેશ થાય છે. જામનગરના પ્રશાંત દિલીપભાઈ જાટ અને સાવન ભરતભાઈ જાટ તથા સિક્કાના ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ કંચવાને પણ અટકાયતમાં લેવાયા છે.

સપ્લાયરની શોધખોળ, નમૂના FSLમાં મોકલાશે

પોલીસની તપાસમાં ભાનુ ચાવડા મૂળ આણંદ જિલ્લાના તારાપુરનો વતની હોવાનું અને ત્યાંના એક શખ્સ પાસેથી એમ્બરગ્રીસ લાવ્યો હોવાનું સામે આવ્યું છે. તે ગ્રાહકની શોધમાં હતો, જ્યારે અન્ય પાંચ શખ્સો ગ્રાહક શોધવા, નમૂનો બતાવવા અને સપ્લાય કરવામાં મદદ કરતા હોવાની પોલીસને શંકા છે. તારાપુરના કથિત સપ્લાયરની શોધખોળ ચાલી રહી છે.

એમ્બરગ્રીસના નમૂના FSLમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આગળની તપાસ વન વિભાગ કરશે. આ રાજકોટ જિલ્લામાં એમ્બરગ્રીસનો પ્રથમ નોંધાયેલો કેસ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.