રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં ચિતળિયા રોડ પર આવેલા ઘનશ્યામનગર અને બજરંગનગર વિસ્તારમાં એક જ રાતે બે મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. બંને મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ મળી મત્તા ચોરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઘનશ્યામનગરમાં રહેતા હરેશ ડાયા ભુવાના મકાનમાંથી આશરે 4 તોલા સોનાના દાગીના અને 85 હજાર રૂપિયા રોકડા ચોરાયા હતા. બીજી તરફ, બજરંગનગરમાં રહેતા રાહુલ રમેશ દાવડાના મકાનમાંથી 8 તોલા સોનાના દાગીના અને 45 હજાર રૂપિયા રોકડની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ CCTVમાં કેદ

ચોરીની બંને ઘટનાઓમાં તસ્કરોની હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે. આ આધારે પોલીસે તેમની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે.

બંને મકાનમાલિકોની ફરિયાદના આધારે જસદણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ CCTV ફૂટેજ અને અન્ય વિગતોના આધારે ચોરીમાં સામેલ શખ્સો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.