રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં 3 ઓક્ટોબર, 2026ની રાત્રે મારામારી અને ફાયરિંગની ઘટના બની હતી. ખેતરમાં બકરાં ઘૂસી જતાં ઊભા પાકને નુકસાન થયું હોવાના મુદ્દે વિવાદ શરૂ થયો હતો. આ બાદ રીબડાના ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પોતાના સાથીદારો સાથે ફરિયાદી પક્ષના રહેણાંક સ્થળે પહોંચ્યો હોવાનો પોલીસ કેસમાં ઉલ્લેખ છે.
આરોપીઓએ લાકડીઓ અને લોખંડના પાઈપ વડે મારામારી કરી હોવાના આક્ષેપ છે. ત્યારબાદ દહેશત ફેલાવવાના હેતુથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સમગ્ર બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે તપાસ ઝડપી બનાવી હતી.
ચાર આરોપીઓ અને એક કિશોર હસ્તગત
ગોંડલ તાલુકા પોલીસે કેસમાં કરણ સુનિયા બામણીયા, અરમાન મયુદ્દીન હોથી, સમીર કાસમ વિસળ અને સુરેશ ઉર્ફે સજુભા રવજીભાઈ ઝાલાની ધરપકડ કરી છે. આ ઉપરાંત ગુંજાલા-બહુચરાજી વિસ્તારના કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને પણ હસ્તગત કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં મુખ્ય આરોપી ગણાતા ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. તેને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો
આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો ઉપરાંત આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીઓ સામે ગેરકાયદેસર મંડળી રચવા, હુમલો કરવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને હથિયારના ઉપયોગ સંબંધિત આક્ષેપોની તપાસ ચાલી રહી છે.
પોલીસે પકડાયેલા આરોપીઓની ભૂમિકા, ફાયરિંગમાં વપરાયેલા હથિયાર અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજના આધારે ઘટનામાં સામેલ વ્યક્તિઓની ભૂમિકા ચકાસવામાં આવી રહી છે. મુખ્ય આરોપીની ધરપકડ બાદ કેસમાં વધુ વિગતો બહાર આવી શકે છે.
