રાજકોટ શહેરમાં માર્ગ અકસ્માતની બે અલગ ઘટનાઓમાં ઈજાગ્રસ્ત થયેલા બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. કુવાડવા રોડ પર રસ્તો ઓળંગતા સિક્યુરિટી ગાર્ડને કારની ટક્કર લાગી હતી, જ્યારે પેડક રોડ પર બાઈકસવાર ખાણીપીણીના ધંધાર્થીને રિક્ષાએ અડફેટે લીધા હતા.

કુવાડવા હાઇવે પર સાત હનુમાન પાસે દેવનગર ઢોરે રહેતા મનસુખભાઈ નાથુભાઈ ઉર્ફે નટવરભાઈ ભખોળીયા (50) મોરબી રોડની એક ખાનગી મિલકતમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. કામ પૂરું થયા બાદ તેઓ રિક્ષામાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે ઉતર્યા હતા. ત્યાંથી પોલીસ સ્ટેશન સામે આવેલા પોતાના ઘર તરફ જવા રસ્તો ઓળંગતી વખતે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેના ઓવરબ્રિજ પાસે એક અજાણી કારે તેમને ટક્કર મારી હતી. ટક્કર બાદ કારચાલક સ્થળેથી નીકળી ગયો હતો.

માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થતાં આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સથી મનસુખભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પહોંચાડ્યા હતા. સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મોત થયું હતું. પોલીસ ફરાર કારચાલકને શોધી રહી છે. મનસુખભાઈ ચાર ભાઈ અને એક બહેનમાં બીજા ક્રમે હતા. પરિવારમાં તેમની ત્રણ દીકરી અને એક દીકરો છે.

પેડક રોડ પર બાઈકને રિક્ષાની ટક્કર

બીજા બનાવમાં રૂખડિયાપરા ફાટક પાસે રહેતા ક્રિષ્નાભાઈ અવનભાઈ વાયદંડે (44) 21 નવેમ્બરે બપોરે બાઈક પર જતા હતા. પેડક રોડ પર અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ સામે એક રિક્ષા તેમની બાઈક સાથે અથડાઈ હતી. માથા અને શરીરે ગંભીર ઈજા થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસ સારવાર બાદ, 23 નવેમ્બરે બપોરે તેમનું મોત થયું હતું.

ક્રિષ્નાભાઈ મૂળ મહારાષ્ટ્રના હતા અને લાંબા સમયથી પરિવાર સાથે રાજકોટમાં રહેતા હતા. ઓડિટોરિયમ સામેના હોકર્સ ઝોનમાં તેઓ ‘ગણેશ મદ્રાસ કાફે’ નામે ઈડલી-ઢોસાની લારી ચલાવતા હતા. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, બનાવના દિવસે તેઓ લારી પરથી ઘરે જવા નીકળ્યા હતા. હોકર્સ ઝોનની બહાર તેમની બાઈકને પાછળથી આવતી રિક્ષાએ ટક્કર મારી હતી. ક્રિષ્નાભાઈ પાંચ ભાઈ અને ત્રણ બહેનમાં બીજા ક્રમે હતા; પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે.