રાજકોટના સોખડા નજીક અમદાવાદ હાઈવે પર આવેલા જે. એચ. વુડન અને દેવ પ્લાસ્ટિક નામનાં બે કારખાનામાં રવિવારે સાંજે આગ લાગી હતી. રાજકોટ ફાયર વિભાગને સાંજે 5:30 વાગ્યાની આસપાસ જાણ થતાં ટીમો સ્થળે પહોંચી હતી. નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા 50થી વધુ મજૂરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગ બુઝાવવાની કામગીરીમાં પાંચ ફાયર ફાઈટર અને 15થી વધુ જવાનો જોડાયા હતા.
ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર રહીમ જોબને આપેલી માહિતી મુજબ, કારખાનામાં ભગવાનની છબીઓ બનાવવાનું કામ થતું હતું. ત્યાં તૈયાર છબીઓ ઉપરાંત લાકડું અને કેમિકલનો જથ્થો હોવાથી આગ કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી રહી હતી. પાંચ ગાડીઓથી ત્રણ તરફથી પાણીનો મારો ચલાવાયો હતો. શેડ ઊંચો અને પતરાથી ઢંકાયેલો હોવાથી અંદરની આગ સુધી પહોંચવામાં સમય લાગી રહ્યો હતો; આગ બુઝાવવામાં બે કલાકથી વધુ લાગી શકે તેવી શક્યતા તેમણે દર્શાવી હતી. બાજુના કારખાનાનાં પતરા તોડીને પણ પાણીનો મારો ચલાવવામાં આવ્યો.
ઝૂંપડપટ્ટી તરફની બાજુએ આગ કાબૂમાં આવ્યા બાદ ત્યાંના રહેવાસીઓને અવરજવર કરવાની છૂટ અપાઈ હતી. આગનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટમાં તે સમયે ઉદ્યોગોને ફાયર NOC આપવામાં આવતું નહોતું; રાજ્ય સરકાર 2027ની શરૂઆતમાં આવા કારખાનાઓને NOC આપવાની કામગીરી શરૂ કરે તેવી શક્યતા છે. આ બંને કારખાનાં પાસે NOC હતું કે નહીં તે અંગે તેમણે કહ્યું કે હાલ આગ પર કાબૂ મેળવવો પ્રથમ પ્રાથમિકતા છે.
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ગોકુલનગર ખાતે શ્રીનાથજી એન્જિનિયરિંગ નામના કાસ્ટિંગ કારખાનામાં પણ રાત્રે આશરે 8 વાગ્યે આગની જાણ થઈ હતી. સ્ટેશન ઓફિસર બારૈયાના જણાવ્યા મુજબ, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ સ્પષ્ટ નહોતું; ફટાકડાને કારણે આગ લાગી હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે VMC મશીન, કમ્પ્યુટર, Honda બાઈક, ઇલેક્ટ્રિક બાઈક, કમ્પ્રેશન અને સ્ટેબિલાઇઝર સહિતની વસ્તુઓને નુકસાન થયું હોવાની શક્યતા દર્શાવવામાં આવી હતી.
