રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રાજકોટ SOGએ 67.26 ગ્રામ મેફેડ્રોન સાથે મોરબીના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મોરબીથી કારમાં માદક પદાર્થનો જથ્થો લઈને ભગવતીપરા વિસ્તારમાં આવવાનો હતો. તેની પાસેથી બે મોબાઇલ, ક્રેટા કાર સહિત કુલ રૂ.11,26,970નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે જગદીશ ઉર્ફે જીગર ઉર્ફે જગો જીલુભાઈ ગોગરા, ઉંમર 31 વર્ષ, રહે. મોરબી, સફેદ રંગની ક્રેટા કાર નંબર GJ-01-HY-6297માં ભગવતીપરા શેરી નંબર 19 પાસે આવવાનો છે. આ આધારે SOGની ટીમે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.

કયો મુદ્દામાલ મળ્યો

તપાસ દરમિયાન આરોપી પાસેથી 67.26 ગ્રામ મેફેડ્રોન, Samsung Galaxy S26 મોબાઇલ, iPhone 17 Pro મોબાઇલ, ક્રેટા કાર, પોકેટ સાઇઝનું વજનકાંટું, પ્લાસ્ટિકની વેક્યૂમ પેક કોથળીઓ, પાનકાર્ડ અને RC બુક મળી આવ્યા હતા. પોલીસે મેફેડ્રોનની કિંમત રૂ.2,01,780, બે મોબાઇલની કિંમત રૂ.1.20 લાખ અને ક્રેટા કારની કિંમત રૂ.8 લાખ દર્શાવી છે.

આરોપી સામે રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આશરે બે મહિના અગાઉ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને તે કેસમાં તે નાસતો ફરતો હતો. મેફેડ્રોન ક્યાંથી આવ્યું અને કોને સપ્લાય કરવાનું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.