રાજકોટ શહેરના મોરબી રોડ વિસ્તારમાં રહેતી અને મોડેલિંગ સાથે સંકળાયેલી 36 વર્ષીય યુવતીએ વડોદરાના પાર્થ વિજયભાઈ પરીખ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે મેટ્રિમોનિયલ સાઇટ મારફત સંપર્કમાં આવ્યા બાદ પાર્થએ લગ્નનું વચન આપ્યું અને અલગ-અલગ સ્થળે તેની સાથે શારીરિક શોષણ કર્યું. ફરિયાદના આધારે રાજકોટની બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મેટ્રિમોનિયલ સાઇટથી સંપર્ક
ફરિયાદ મુજબ, યુવતી અને તેના પરિવારજનોએ લગ્ન માટે આશરે ચાર વર્ષ પહેલાં સાદી ડોટ કોમ પર એકાઉન્ટ બનાવ્યું હતું. આશરે એક વર્ષ પહેલાં પાર્થ પરીખની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ બંને વચ્ચે મોબાઇલ પર વાતચીત શરૂ થઈ હતી. યુવતીના જણાવ્યા પ્રમાણે, પાર્થએ પોતે અવિવાહિત હોવાનું અને કોલ્ડ સ્ટોરેજ તથા બિલ્ડર સંબંધિત વ્યવસાય સાથે જોડાયેલ હોવાનું જણાવ્યું હતું.
યુવતીએ પોતાની અનુસૂચિત જાતિ અંગે પાર્થને જાણ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પાર્થએ પોતાને અને પોતાના પરિવારને આ અંગે વાંધો ન હોવાનું કહ્યું હતું. ત્યારબાદ બંને રાજકોટ, અમદાવાદ અને વડોદરા સહિતના સ્થળોએ મળતા હતા.
હોટેલમાં લઈ જઈ સોગંદનામું કરાવ્યાનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, 21 માર્ચ 2026ના રોજ પાર્થ યુવતીને શાપર વિસ્તારમાં આવેલી લોડ્ઝ ઇકો ઇન હોટેલમાં લઈ ગયો હતો. યુવતીનો આક્ષેપ છે કે ત્યાં લગ્નનું વચન આપીને તેના પર દબાણ કરવામાં આવ્યું અને બાદમાં 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લગ્નનું સોગંદનામું કરાવવામાં આવ્યું હતું.
આ પછી પણ પાર્થ વારંવાર મળતો અને લગ્નની તારીખ નક્કી કરવાની વાત ટાળતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. 11 ઓગસ્ટ 2026ના રોજ વડોદરા લઈ જઈ ફરી સોગંદનામું કરાવ્યું હોવાનો પણ આક્ષેપ છે. પાર્થએ થોડા દિવસમાં વોટ્સએપ પર લગ્નનું પ્રમાણપત્ર મોકલ્યું હતું, જોકે તે ખોટું હોવાની શક્યતા યુવતીએ વ્યક્ત કરી છે.
ફરિયાદ મુજબ, બાદમાં પાર્થએ યુવતીના પરિવાર તરફથી અનુસૂચિત સમાજ સાથે લગ્ન અંગે વાંધો હોવાનું કહી સંબંધ તોડી નાખ્યો હતો. યુવતીનો વધુ આક્ષેપ છે કે પોલીસ ફરિયાદ કરવાની વાત કરતાં પાર્થએ અંગત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. આરોપોની સત્યતા અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.
