રાજકોટના ખોખડદડ નદીકાંઠે આવેલા હરિઓમ પાર્કમાં દાગીના સાફ કરી આપવાના બહાને સોનાનો ચેન ઓગાળીને છેતરપિંડી કરવાનો પ્રયાસ થયાની ફરિયાદ નોંધાઈ છે. પુત્રની સમયસૂચકતાથી તેની માતાનો આશરે 8.5 ગ્રામનો ચેન બચી ગયો હતો. આજીડેમ પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે.

ફરિયાદ મુજબ, 17 ઓક્ટોબરે સવારે આશરે 10 વાગ્યે ગૌરવભાઈ જોશીની માતા જયશ્રીબેન ઘરે હતાં ત્યારે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેમણે ફિનાઈલ લેવાના બહાને વાત શરૂ કરી અને પોતાની પાસે સોનાના દાગીના સાફ કરી આપવાનું કેમિકલ હોવાનું જણાવ્યું હતું. જયશ્રીબેને ચેન સાફ કરવા આપ્યો હતો.

પુત્રને શંકા જતાં પોલીસને જાણ

જયશ્રીબેને પુત્રને ફોન કરીને બંનેની વાત જણાવી. ગૌરવભાઈને છેતરપિંડીની શંકા જતાં તેમણે માતાને ચેન તરત પાછો લઈ લેવા કહ્યું. જયશ્રીબેને ચેન મેળવી બંનેને ઘર પાસે રોકી રાખ્યા. ગૌરવભાઈ ત્યાં પહોંચ્યા બાદ 112ની મદદથી બંનેને પોલીસ સમક્ષ લઈ જવાયા.

પોલીસ સમક્ષ બંનેએ પોતાનાં નામ નકુલ શશીભૂષણ પંડિત અને પવન ઓનાય પંડિત જણાવ્યાં હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ફરિયાદ મુજબ, બંને નડિયાદમાં સંતરામ મંદિર પાસે રહે છે અને મૂળ બિહારના છે.

કેમિકલથી સોનું ઓગાળવાની રીત

આજીડેમ પોલીસના જણાવ્યા અનુસાર, શખ્સો દાગીનાને કેમિકલમાં ધોઈને ચમકાવી આપવાની વાત કરતા હતા. પોલીસનું કહેવું છે કે આ પ્રક્રિયામાં દાગીનાનો કેટલોક ભાગ ઓગળી જાય અને તેને લઈ જઈ શકાય એવી રીતથી છેતરપિંડી કરવાનો પ્રયાસ થતો હતો. પોલીસે આરોપીઓ પાસે આ રીતનો ડેમો પણ કરાવ્યો હતો.

ગૌરવભાઈની ફરિયાદના આધારે બંને સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4) અને 62 હેઠળ છેતરપિંડીના પ્રયાસનો ગુનો નોંધાયો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસની અપીલ છે કે ઘરે આવી દાગીના સાફ કરી આપવાની ઓફર કરનાર અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો અને શંકાસ્પદ જણાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.