રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠકો માટે બુધવાર, 30 સપ્ટેમ્બર 2026ના રોજ ઉમેદવારીપત્રો ભરાશે. સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી મેયર અને ચૂંટણી અધિકારી ડો. નેહલ શુક્લ સમક્ષ ફોર્મ રજૂ કરી શકાશે. ચૂંટણી કાર્યક્રમ મુજબ સમિતિ માટે 21 ઓક્ટોબરે મતદાન અને મતગણતરી થવાની છે.
મનપાના કુલ 72 કોર્પોરેટરો આ ચૂંટણીમાં મતદાન કરશે. હાલ ભાજપ પાસે 65 અને કોંગ્રેસ પાસે 7 કોર્પોરેટર છે. એક બેઠક માટે છ કોર્પોરેટરના સમર્થનની જરૂરિયાત ગણવામાં આવે છે. આ સંખ્યાબળને આધારે ભાજપને 11 અને કોંગ્રેસને એક બેઠક મળવાની શક્યતા છે. ભાજપ 11 ઉમેદવારો ઊભા રાખે તો ચૂંટણી પ્રક્રિયા સમરસ બની શકે છે, જ્યારે 12 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવે તો ચૂંટણી યોજાશે.
ઉમેદવારોના નામ પર નજર
ભાજપે ઉમેદવારોની પસંદગી માટે સ્નાતક શૈક્ષણિક લાયકાત અને સરેરાશ 62 વર્ષની વયમર્યાદા જેવી માર્ગદર્શિકા નક્કી કરી હોવાનું જાણવા મળ્યું છે. પક્ષ તરફથી 35 નામોની યાદી પ્રદેશ કક્ષાએ મોકલાઈ છે. કોંગ્રેસે પણ 24 કાર્યકરોનાં નામ હાઈકમાન્ડને મોકલ્યાં છે. બંને પક્ષો અંતિમ ઉમેદવારોનાં નામ ક્યારે જાહેર કરે છે તેના પર હવે ધ્યાન કેન્દ્રિત થયું છે.
ચૂંટણીમાં 1થી 12 સુધીના પ્રેફરન્સ મત આપવાના રહેશે. સૌથી વધુ પ્રથમ ક્રમના મત મેળવનાર ઉમેદવાર વિજેતા બનશે. રાજકોટ મનપાની સત્તાવાર વેબસાઇટ પર પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યોની ચૂંટણી અંગેની જાહેરાત મૂકવામાં આવી છે.
ગાંધી જયંતીએ માંસના વેચાણ પર પ્રતિબંધ
ગાંધી જયંતી નિમિત્તે 2 ઓક્ટોબરે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારનાં તમામ પ્રકારનાં કતલખાનાં સંપૂર્ણપણે બંધ રહેશે. આ દિવસે માંસ, મટન, માછલી અને ચિકનના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર વેપારી અથવા વ્યક્તિ સામે જીપીએમસી એક્ટ, 1949ની કલમ 329 અને 336 તથા મહાપાલિકાના બાયલોઝ મુજબ કાર્યવાહી કરાશે, તેમ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું છે.
ગાંધી મ્યુઝિયમમાં બાળકોને મફત પ્રવેશ
રાજકોટની મોહનદાસ ગાંધી વિદ્યાલય, એટલે કે આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે આવેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં 2 ઓક્ટોબરે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ મળશે. મ્યુઝિયમમાં ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ અને LED સ્ક્રીન દ્વારા ગાંધીજીનું જીવન દર્શાવવામાં આવ્યું છે. અહીં ગાઇડ, લાઇબ્રેરી, રેસ્ટોરન્ટ, સોવિનિયર શોપ અને રાત્રે 7 વાગ્યે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ ઉપલબ્ધ છે.
મ્યુઝિયમમાં અત્યાર સુધીમાં 2,862 વિદેશી નાગરિકો અને 1,12,638 બાળકો સહિત કુલ 3,93,622 મુલાકાતીઓ આવી ચૂક્યા છે. દર વર્ષે 26 જાન્યુઆરી, 30 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને 2 ઓક્ટોબરે બાળકો માટે મફત પ્રવેશની વ્યવસ્થા રાખવામાં આવે છે.
દરમિયાન, વર્તમાન ગ્રેડ-પેમાં સુધારાની માગ સાથે રાજ્યભરના લેન્ડ રેકર્ડ વર્ગ-3ના સર્વેયરો અને સિનિયર સર્વેયરોની અનિશ્ચિત મુદતની હડતાલ નવમા દિવસે પણ ચાલુ રહી છે. જમીન માપણી, નામ ફેરફાર અને બિનખેતી સહિતની કામગીરી સંબંધિત ફાઇલો અટવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 14 સાંસદો અને ધારાસભ્યોએ કર્મચારીઓના ગ્રેડ-પે મુદ્દે સરકારને લેખિત ભલામણ કરી હોવાનું પણ જણાવાયું છે.
