રાજકોટમાં ચરસ અને ગાંજાના અલગ-અલગ કેસમાં પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે. આ ઉપરાંત, અગાઉના NDPS કેસમાં ફરાર રહેલા અમદાવાદના એક સપ્લાયરને પણ રાજકોટ SOGએ પકડી પાડ્યો છે. ત્રણેય કાર્યવાહીમાં પોલીસે નશીલા પદાર્થો સાથે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજકોટ શહેર એન્ટી નાર્કોટિક્સ વિંગે રસુલપરા મેઇન રોડ પરથી અકરમસા શાહમદારને 100 ગ્રામ ચરસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તેની પાસેથી ચરસની કિંમત રૂ. 25,198 અને મોબાઇલ સહિત કુલ રૂ. 40,298નો મુદ્દામાલ કબજે કરાયો છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે પાટણના એક શખ્સ પાસેથી ચરસ લાવતો હોવાનું જણાવ્યું હતું. રાજકોટમાં 10 ગ્રામની પડીકી રૂ. 3થી 4 હજારમાં વેચતો હોવાની અને અગાઉ ત્રણ વખત પાટણથી જથ્થો લાવ્યાની કબૂલાત પણ તેણે પોલીસ સમક્ષ કરી હોવાનું જણાવાયું છે. પોલીસે સપ્લાયરની શોધ શરૂ કરી છે.

માલવિયાનગર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન પંચશીલ સોસાયટીમેઇન રોડ પર, ગોકુલધામ આવાસ યોજના ક્વાર્ટર નજીકની મધર ટેરેસા સ્કૂલ પાસે એક શખ્સ માદક પદાર્થ સાથે હોવાની બાતમી મળી હતી. દરોડા દરમિયાન કોઠારિયાના આર્યન હર્ષદ મકવાણા પાસેથી 33.51 ગ્રામ ગાંજો મળ્યો હતો. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજો અને બે મોબાઇલ સહિત રૂ. 7,675નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ગાંજાના સપ્લાયર અંગે તપાસ ચાલુ છે.

બીજી કાર્યવાહી અગાઉના કેસ સાથે જોડાયેલી છે. રાજકોટ SOGએ જંકશન વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજા, ચરસ અને MD ડ્રગ્સ સાથે ફ્રૂટના વેપારી રમેશ ઉર્ફે મુનાને પકડ્યો હતો. તેની તપાસમાં અમદાવાદના પ્રવીણ ઉર્ફે પવો વસંત પરબનું નામ સપ્લાયર તરીકે બહાર આવ્યું હતું. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના NDPS કેસમાં ફરાર જાહેર થયેલા પરબને SOGએ અમદાવાદમાંથી પકડી પાડ્યો છે. તેને આગળની કાર્યવાહી માટે પ્રદ્યુમનનગર પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.