પાટણ જિલ્લાના રાધનપુર-થરા નેશનલ હાઈવે 27 પર સીનાડ ગામ નજીક ટેન્કર અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં એક શ્રમિકનું મોત થયું છે. હાઈવેના ડિવાઈડર પર વાવેલા વૃક્ષો અને છોડને પાણી આપવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ટેન્કરને પાછળથી ટ્રેલરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રેલરનો ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
અહેવાલ મુજબ, રાધનપુર નજીકના આ સ્થળે નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)ના રોડ ડિવાઈડર પરના વૃક્ષો અને છોડને ટેન્કરથી પાણી છાંટવામાં આવી રહ્યું હતું. તે સમયે પાછળથી ઝડપે આવેલા ટ્રેલરે ટેન્કરને ટક્કર મારી હતી. અથડામણમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. પાણી આપવાની કામગીરી કરતા શ્રમિકને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઈજાગ્રસ્ત ચાલકને ધારપુર ખસેડાયો
અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટ્રેલરના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને સારવાર માટે પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. શ્રમિકના મૃત્યુ ઉપરાંત ચાલકને થયેલી ઈજાઓને કારણે સ્થળ પર મદદ અને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
ઘટનાની જાણ થતાં NHAIના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચ્યાં હતાં. પોલીસે મૃતકના મૃતદેહનું પંચનામું કરી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે વાહનોની અવરજવર અસરગ્રસ્ત થઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો રસ્તા પરથી દૂર કરાવ્યાં બાદ વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો.
