સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં મજરા-તલોદ રોડ પર કરોલ ગંડેરી નજીક સુરજબા ફાર્મ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોને ઈજા પહોંચી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક તલોદથી મજરા તરફ જઈ રહ્યો હતો, જ્યારે કાર મજરાથી તલોદ તરફ જઈ રહી હતી. આ દરમિયાન ટ્રકના પાછળના ટાયરનો આખો ભાગ અચાનક છૂટો પડી સામેથી આવી રહેલી કાર સાથે અથડાયો હતો. ટાયરનો ભાગ અથડાતા કારને નુકસાન થયું હતું અને તેમાં સવાર લોકોને ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તોમાં મોડાસા નિવાસી કરણભાઈ મયંકભાઈ સુથાર, તેમના પત્ની પિનલબેન કરણભાઈ સુથાર, તેમની માતા લીનાબેન મયંકભાઈ સુથાર અને આશરે એક વર્ષના હારવિન કરણભાઈ સુથારનો સમાવેશ થાય છે. ગાંધીનગર નિવાસી અરવિંદભાઈ નરસિંહભાઈ સુથારને પણ ઈજા થઈ હતી.
અકસ્મત બાદ 108 એમ્બ્યુલન્સની મદદથી ચાર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા. અરવિંદભાઈ સુથારને સારવાર માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ સ્થળ પર ભીડ
અકસ્મતની જાણ થતાં આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. અકસ્માતને કારણે રસ્તા પર થોડા સમય માટે લોકોની ભીડ જોવા મળી હતી.
સમગ્ર બનાવ અંગે વધુ વિગતો જાણવા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને ટ્રકના ટાયરનો ભાગ કઈ રીતે છૂટો પડ્યો તેની તપાસ બાદ વધુ માહિતી સ્પષ્ટ થશે.
