ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણમાં 7 ઓક્ટોબરે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘વિકાસ જ્યોતિ યાત્રા’ યોજાશે. કાર્યક્રમને લઈને જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સ્થળ વ્યવસ્થા સહિતની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી.

કલેક્ટરે કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાનું પાણી અને ફૂડ પેકેટ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાવાના હોવાથી સ્થળ પર વ્યવસ્થિત અવરજવર અને સુવિધાઓ જળવાઈ રહે તે માટે વિભાગવાર આયોજન પર ભાર મૂકાયો.

ત્રણ માર્ગે રથયાત્રા યોજાશે

‘વિકાસ જ્યોતિ યાત્રા’ની વિશેષતા એ છે કે સદભાવના મેદાનથી ત્રણ અલગ-અલગ માર્ગે રથયાત્રા નીકળશે. આ રથયાત્રા સોમનાથ પાર્કિંગ, કાજલી એ.પી.એમ.સી. અને સરોવર પોર્ટિકોના મેદાન સુધી પહોંચશે.

આ ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળોએ સર્કલ ડેવલપમેન્ટના કામો માટે ભૂમિપૂજન અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ યોજાશે. યાત્રામાં વિવિધ સમાજના પ્રતિનિધિઓ, સંસ્થાઓ, આગેવાનો અને નાગરિકો જોડાશે.

બેઠક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ

નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલેએ બેઠક દરમિયાન કાર્યક્રમની રૂપરેખા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને કાયદો-વ્યવસ્થાને લગતી તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી. સંબંધિત વિભાગોને પોતાની જવાબદારીઓનું સંકલન કરીને કાર્યક્રમ પહેલાં તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવા જણાવાયું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા ઉપરાંત શિક્ષણ, પાણી પુરવઠા, વાહનવ્યવહાર અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.