વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન કાર્યાલયે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, પ્રવાસના પહેલા દિવસે તેઓ એકતા નગરમાં ઈ-બસને લીલી ઝંડી આપશે અને વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. બીજા દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે.
એકતા નગરમાં ઈ-બસ અને વિકાસકાર્યો
30 ઓક્ટોબરે સાંજે લગભગ 5:15 વાગ્યે વડાપ્રધાન એકતા નગરમાં ઈ-બસને લીલી ઝંડી આપશે. ત્યારબાદ લગભગ 6:30 વાગ્યે તેઓ રૂ. 1,140 કરોડથી વધુના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. આ પ્રકલ્પોનો હેતુ પ્રવાસીઓની સુવિધા વધારવાનો, અવરજવર સરળ બનાવવાનો અને પર્યાવરણને અનુકૂળ પહેલોને ટેકો આપવાનો છે.
લોકાર્પણ થનારા પ્રકલ્પોમાં રાજપીપળાની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, ગરુડેશ્વરનો હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટનો પ્રથમ તબક્કો, ઈ-બસ ચાર્જિંગ ડેપો અને 25 ઈલેક્ટ્રિક બસનો સમાવેશ થાય છે. નર્મદા ઘાટનું વિસ્તરણ, કૌશલ્યા પથ, એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીના વૉકવેનો બીજો તબક્કો, સ્માર્ટ બસ સ્ટોપનો બીજો તબક્કો અને અન્ય સુવિધાઓ પણ આ યાદીમાં છે.
વડાપ્રધાન ભારતનાં રાજવી રાજ્યોના સંગ્રહાલય, વીર બાલક ઉદ્યાન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટ, શૂલપાણેશ્વર ઘાટ પાસે જેટી વિકાસ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલેટર્સ સહિતના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ કરશે. કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રૂ. 150 મૂલ્યનો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવશે.
31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ
31 ઓક્ટોબરે સવારે લગભગ 8 વાગ્યે વડાપ્રધાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, એકતા દિવસની પ્રતિજ્ઞા અને પરેડમાં ભાગ લેશે. સાંજે યોજાનારી પરેડમાં BSF, CRPF, CISF, ITBP અને SSB સહિતનાં દળો તથા વિવિધ રાજ્યોની પોલીસ ટુકડીઓ સામેલ થશે.
પરેડમાં ગુજરાત સહિતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખીઓ ‘વિવિધતામાં એકતા’ની થીમ રજૂ કરશે. BSFની ભારતીય જાતિના કૂતરાઓની ટુકડી, ગુજરાત પોલીસની અશ્વ ટુકડી, આસામ પોલીસનું મોટરસાઇકલ પ્રદર્શન તથા BSFની ઊંટ ટુકડી પણ કાર્યક્રમનો ભાગ રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં 900 કલાકારો ભારતનાં શાસ્ત્રીય નૃત્યો રજૂ કરશે.
એકતા દિવસના કાર્યક્રમો બાદ વડાપ્રધાન આરંભ 7.0ના સમાપન પ્રસંગે 100મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે. આ કોર્સમાં 16 સિવિલ સેવાઓ અને ભૂટાનની ત્રણ સિવિલ સેવાઓના 660 તાલીમાર્થીઓ જોડાયેલા છે.
