પાટણમાં વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા પદ્મનાભ મંદિર સામે બનાવવામાં આવી રહેલા સમાજ ભવન અને લાયબ્રેરીના બાંધકામનું ટ્રસ્ટના હોદ્દેદારો, શહેરના આગેવાનો તથા યુવાનો દ્વારા સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન બાંધકામની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

ટ્રસ્ટના પ્રમુખ ડૉ. અનિલભાઈ પી. પરમાર, મહામંત્રી મુકેશભાઈ યુ. પરમાર અને કારોબારી સભ્ય રસિકભાઈ સી. જાદવ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બાંધકામ સ્થળે આર.સી.સી. માળખા બાદ ચણતર, ફ્લોરિંગ, પ્લમ્બિંગ અને પાઇપ ફિટિંગ જેવી કામગીરી ચાલી રહી હોવાનું જણાવાયું હતું.

વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધા

નિર્માણાધીન ભવનમાં લાયબ્રેરી અને કમ્પ્યુટર સુવિધા ઉભી કરવામાં આવશે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ યુવક-યુવતીઓને GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી વાતાવરણ મળે તેવો હેતુ રાખવામાં આવ્યો છે.

ભવનમાં ૬૦×૫૩ ફૂટનો વિશાળ હોલ બનાવવામાં આવી રહ્યો છે. તેમાં ૨૫૦ લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે અને સામાજિક કાર્યક્રમો માટે પણ તેનો ઉપયોગ થઈ શકશે. બીજા માળે છ AC રૂમ તથા શૌચાલયની સુવિધા રાખવામાં આવશે. બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ઊભી કરવાની પણ યોજના છે.

દિવાળી આસપાસ કામ પૂર્ણ કરવાનો સંકલ્પ

ટ્રસ્ટના પ્રમુખ ડૉ. અનિલભાઈ પરમારે દિવાળી આસપાસ ભવનના બે માળનું કામ પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બાંધકામ અને શૈક્ષણિક સુવિધાઓ માટે સમાજના આગેવાનો તથા દાતાઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટ તરફથી બાળકોના શિક્ષણ માટે આપવામાં આવતું દાન આવકવેરા કાયદા હેઠળ કરમુક્તિપાત્ર હોવાનું જણાવાયું છે.

ભવન પૂર્ણ થયા બાદ તેનો ઉપયોગ સમાજના વિદ્યાર્થીઓ, યુવક-યુવતીઓ અને સામાજિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે.