પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિએ શહેરના આગામી 10 વર્ષના વિકાસ માટે તૈયાર કરાયેલા ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)ને મંજૂરી આપી છે. તેને હવે રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવાનો નિર્ણય લેવાયો છે. સમિતિની બેઠકમાં મુખ્ય 15 અને વધારાના 14 મળીને કુલ 29 કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. બેઠકની અધ્યક્ષતા ચેરમેન નીલમભાઈ પટેલે કરી હતી.

ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે બેઠકમાં આગામી દાયકાના વિકાસકાર્યોની વિગતો રજૂ કરી હતી. શહેરની વસ્તી અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને 2026-27થી 2035-36 સુધીનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. તેમાં ગટર અને પાણી વ્યવસ્થાપન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પ્રવાસન વિકાસ, તળાવોનું પુનર્જીવન, આવાસ અને પર્યાવરણ જાળવણીને લગતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આવાસ, રસ્તા અને વીજવ્યવસ્થાના પ્રસ્તાવો

યોજનામાં સરકારી જમીનો પરથી દબાણો દૂર કર્યા બાદ વિકલ્પરૂપે આશરે 1,500 EWS ફ્લેટ્સ સાથે મિની ટાઉનશીપ ઊભી કરવાનો પ્રસ્તાવ છે. તેમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, હેલ્થ સેન્ટર અને રમતગમતનું મેદાન રાખવાનું આયોજન છે. શહેરના સિમેન્ટના પોલ દૂર કરી અંડરગ્રાઉન્ડ વાયરિંગ અને ડેકોરેટિવ GI પોલ સ્થાપવાની પણ યોજના છે.

રાણીની વાવ સામે નગરપાલિકાના પ્લોટમાં બેલા પથ્થરનો વોક-વે અને બેસવા માટેની જગ્યાઓ બનાવવાનો પ્રસ્તાવ મૂકાયો છે. માસ્ટર પ્લાનમાં 100 કિ.મી.ના CC રોડ, નગરપાલિકાની નવી ઇમારતમાં મિની STP તથા સોલાર અને વિન્ડ પાવરની વ્યવસ્થા પણ સામેલ છે. ડિવાઈડર પર વિન્ડ મિલથી વીજળી ઉત્પન્ન કરવા અને 15 સ્થળે LED સ્ક્રીન મૂકવાની યોજના છે.

આ ઉપરાંત એનિમલ ઇન્સિનરેટર અને કારકેસની વ્યવસ્થા પણ પ્રસ્તાવિત છે. આ તમામ બાબતો હાલ મંજૂર થયેલા DPRમાં સમાવિષ્ટ આયોજન છે; તેની અમલવારી અંગેનો આગળનો તબક્કો રાજ્ય સરકારની મંજૂરી બાદ નક્કી થશે.