પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં જંગરાલ ગામ નજીક પાટણ-ડીસા હાઈવે પર 11 નવેમ્બર 2026ની રાત્રે આઈશર ગાડીએ પગપાળા જઈ રહેલા છ યુવકોને ટક્કર મારી હતી. અકસ્માતમાં બે યુવકોનાં મોત થયાં, જ્યારે ચાર ઘાયલ થયા હતા. યુવકો વાગડોદ નજીક આવેલા રામાપીરના કેમ્પમાં દર્શન કરવા જઈ રહ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભાઈબીજની રાત્રે આશરે 8:30 વાગ્યે જંગરાલ ગામના યુવકો ગામમાંથી પગપાળા નીકળ્યા હતા. ગામની ભાગોળથી આશરે 100 મીટર આગળ, હાઈવે પર જંગરાલની સીમમાં આવેલા વિસત માતાજીના મંદિર પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા. એ સમયે ડીસા તરફથી આવતી બટાકા ભરેલી આઈશરે તેમને ટક્કર મારી હતી. ફરિયાદમાં ચાલક પર પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવવાનો આરોપ છે.
પીછો કરતાં વડું ગામ પાસે વાહન મળ્યું
ટક્કર બાદ ચાલક વાહન સાથે પાટણ તરફ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ ગામનાં અન્ય વાહનો લઈને તેનો પીછો કર્યો. વડું ગામ નજીક આઈશર મળી આવી, પરંતુ ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ઘાયલોને પાટણમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.
જંગરાલના 19 વર્ષીય તુષાર જામાભાઈ રબારી (દેસાઈ)ને પલ્સ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ 23 વર્ષીય વિરમ બાબુભાઈ દેસાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. બંને જંગરાલના રહેવાસી હતા; તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ધારપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા.
અકસ્મતમાં જંગરાલના આનંદ પીરાભાઈ રબારી, વિશાલ મફાભાઈ રબારી અને નૈતિક વિનોદભાઈ રબારી ઘાયલ થયા હતા. તેઓ પાટણની પલ્સ આઈસીયુ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. દેલવાડાના જનક રમેશભાઈ રબારી (ભાણો)ને પાટણમાં ડો. પ્રભુ ચૌધરીના દવાખાને સારવાર અપાઈ રહી હતી.
વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરાર આઈશરચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1), 281, 125(a), 125(b) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પ્રતાપસિંહ મદારસિંહ બોડાણા વધુ તપાસ કરી રહ્યા છે અને ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
