બનાસકાંઠા જિલ્લા LCBએ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરીની બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ખીંમત ગામની સીમમાં ચાર રસ્તા પાસે નાકાબંધી ગોઠવાઈ હતી. આ દરમિયાન દારૂ ભરેલી મારુતિ સ્વીફ્ટ અને તેની આગળ પાયલોટિંગ કરતી અલ્ટો કારને રોકવાનો પ્રયાસ થયો, પરંતુ બંને વાહનો આગળ વધી ગયાં હતાં.
પોલીસે પીછો કરતાં સ્વીફ્ટ કાર કિંમત-વાછડાલ હાઈવે પર વાછડાલ ગામની સીમમાં પાંચ પીપળા ગામના પાટિયા પાસે છોડી દેવામાં આવી હતી. કારમાં સવાર નરપતસિંહ દલપતસિંહ સોલંકી અને અલ્પેશસિંહ દશરથસિંહ સોલંકી ફરાર થઈ ગયા હતા. દારૂની હેરાફેરીમાં પાયલોટિંગ કરતી અલ્ટો કારનો ચાલક પણ પોલીસની પકડમાં આવ્યો નહોતો.
તપાસ દરમિયાન સ્વીફ્ટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,391 બોટલ મળી હતી. તેની કિંમત રૂ. 3,50,193 ગણવામાં આવી છે. પોલીસે રૂ. 3 લાખની સ્વીફ્ટ કાર અને રૂ. 20 હજારના બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. દારૂ, કાર અને મોબાઈલ સહિત જપ્ત મુદ્દામાલની કુલ કિંમત રૂ. 6,70,193 થાય છે.
આ મામલે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 11195036260801/2026 નોંધાયો છે. પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(2), 81, 83 અને 98(2) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર શખ્સોને શોધવા અને દારૂની હેરાફેરી અંગે વધુ તપાસ ચાલુ છે.
