ભરૂચ જિલ્લાના નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત દરમિયાન કલેક્ટરે એક વોર્ડમાં વોશબેઝિનનો નળ ટપકતો જોયો હતો. નળ બંધ કરવાનો પ્રયાસ કર્યા પછી પણ પાણી વહેતું રહેતાં તેમણે સ્થાનિક અધિકારીઓને સમસ્યા અંગે પૂછ્યું. અધિકારીઓએ થોડા દિવસમાં સમારકામ કરાવવાની વાત કરતાં કલેક્ટરે સ્થાનિક કારીગરને બોલાવી તાત્કાલિક નળ રિપેર કરાવવાની સૂચના આપી હતી. સમારકામ ન થાય ત્યાં સુધી પાણીનો વેડફાટ થતો રહે એ બાબતે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

મુલાકાત દરમિયાન માતા-બાળ આરોગ્ય અને પોષણ પર ભાર મૂકાયો હતો. બાળકોના વિકાસ પર નજર રાખવા વૃદ્ધિ ચાર્ટનો નિયમિત ઉપયોગ કરવા, માતાઓને પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન આપવા અને આરોગ્ય-પોષણની માહિતી સરળતાથી પહોંચે તે માટે હેન્ડ પેમ્ફલેટ વહેંચવા સૂચના અપાઈ હતી.

સજોદ કેન્દ્રની સુવિધાઓની ચકાસણી

નેત્રંગની મુલાકાત બાદ અંકલેશ્વર તાલુકાના સજોદ આરોગ્ય કેન્દ્રની સુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. ત્યાં દર્દીઓ માટે બેઠક અને પીવાના પાણીની વ્યવસ્થા જોવા મળી હતી. લેબોરેટરીમાં વિવિધ તપાસની સુવિધા હતી અને મેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા કાર્યરત હોવાનું જણાવાયું હતું. દાખલ દર્દીઓ માટે છ બેડ ઉપલબ્ધ હોવાનું, તેમજ નિઃશુલ્ક દવાઓ, લેબ ટેસ્ટ અને રસીકરણની સેવાઓ નિયમિત ચાલતી હોવાનું અહેવાલમાં નોંધાયું હતું. મકાનનું રિસ્ટોરેશન થયું હોવાથી તેનું માળખું મજબૂત હોવાનું પણ જણાવાયું હતું.

કેન્દ્રના પરિસરમાં તબીબો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ માટે રહેઠાણની વ્યવસ્થા હોવાનું અહેવાલમાં કહેવાયું છે. સજોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 108 એમ્બ્યુલન્સ ફાળવવાની જરૂરિયાત પણ દર્શાવાઈ હતી. એમ્બ્યુલન્સ મળે તો પ્રાથમિક સારવાર બાદ ગંભીર દર્દીઓને મોટા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં સમય બચી શકે, એવો અહેવાલમાં ઉલ્લેખ છે. નેત્રંગ કેન્દ્રની મુલાકાતમાં નિષ્ણાતોની ઓપીડી, લેબ તપાસ, ડિજિટલ એક્સ-રે, ઈસીજી, ચોવીસ કલાક પ્રસૂતિ સેવા, રસીકરણ, આવશ્યક દવાઓ અને રોગોની તપાસ જેવી સુવિધાઓ અંગેની માર્ગદર્શિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.