નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામમાં અઢી વર્ષના બાળકને દીપડો ખેંચી જતાં તેનું મોત થયું છે. ઘટના સોમવાર, 5 ઓક્ટોબરની સાંજે આશરે 7:30થી 8 વાગ્યાની વચ્ચે બની હતી. બાળકની માતા મિત્તલબેન પટેલની નજર સામે દીપડો બાળકને ખેંચીને જંગલ તરફ લઈ ગયો હતો. ત્યાર બાદ માતા બેભાન થઈ જતાં દીપડો કઈ દિશામાં ગયો તેની તાત્કાલિક જાણ થઈ શકી નહોતી.
મૃતક બાળકની ઓળખ આરવ તરીકે થઈ છે. તે ભીનાર ગામમાં રહેતા અરૂણ પટેલનો પુત્ર હતો. પરિવારજનો અને ગ્રામજનોએ ઘટનાની જાણ થતાં જ શોધખોળ શરૂ કરી હતી. વન વિભાગ અને પોલીસને માહિતી મળતાં વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગની ટીમો પણ સ્થળે પહોંચી હતી.
મશાલ અને ટોર્ચ સાથે રાતભર શોધખોળ
ગામના યુવાનો અને વનકર્મીઓએ મશાલ, ટોર્ચ અને લાકડાં સાથે ભીનારના ગાઢ જંગલ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. અંધારી રાતમાં લાંબા સમય સુધી ચાલેલા ઓપરેશન બાદ વહેલી સવારે બાળકનો મૃતદેહ તેના ઘરથી આશરે 500 મીટર દૂર જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. મૃતદેહને વાંસદા કોટેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ અને ઇન્વેસ્ટ પંચનામાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ધરમપુર-વલસાડ નોર્થ ફોરેસ્ટ ડિવિઝનના ACF બગીરથસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થયા બાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વનકર્મીઓ અને પોલીસની ટીમે સંયુક્ત રીતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. હુમલો કરનાર દીપડાને પકડવા માટે પાંચ ટીમો બનાવવામાં આવી છે. વન વિભાગે જંગલ વિસ્તારમાં 10થી વધુ પાંજરાં પણ ગોઠવ્યાં છે.
પિતાને પહોંચાડવા વન વિભાગે ફ્લાઇટની વ્યવસ્થા કરી
બાળકના પિતા તમિલનાડુમાં મજૂરી માટે ગયા હોવાથી તેમને ઘટનાની જાણ થયા બાદ પરત આવવામાં સમય લાગે તેમ હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગે તેમના માટે ફ્લાઇટની વ્યવસ્થા કરી હોવાનું જણાવાયું છે. તેઓ મુંબઈ પહોંચ્યા બાદ વન વિભાગની ટીમ તેમને લેવા જશે. ત્યાર બાદ પરિવાર દ્વારા અંતિમવિધિ કરવામાં આવશે.
ભીનાર ગામના સરપંચ જીતેન્દ્રકુમાર રણજીત પટેલે જણાવ્યું હતું કે, તેમને રાત્રે 8:12 વાગ્યે કુંભાર ફળિયામાંથી ફોન મળ્યો હતો. ઘટના અંગે જાણ થતાં તેમણે વન વિભાગ અને પોલીસને જાણ કરી હતી.
ગ્રામજનોએ વધારાની સુરક્ષાની માંગ કરી
ભીનાર અને આસપાસના ડુંગરાળ તથા જંગલ વિસ્તારના ગ્રામજનોમાં ઘટનાને પગલે ભયનો માહોલ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં દીપડાની અવરજવર અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોએ વન વિભાગ પાસે વધુ પેટ્રોલિંગ અને સુરક્ષાત્મક પગલાંની માંગ કરી છે.
વન વિભાગે વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે અને દીપડો પકડાય ત્યાં સુધી ગ્રામજનોને રાત્રે ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. તાજેતરમાં ગીર ગઢડા તાલુકામાં પણ બાળક પર દીપડાના હુમલાની ઘટના બની હતી, જેના થોડા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં બનેલી આ ઘટનાએ વન્યજીવ સુરક્ષા અંગેની ચિંતા વધારી છે.
