નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતોનો GIS આધારિત ડિજિટલ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM)ના ‘અર્બન એટલાસ પ્રોજેક્ટ’ હેઠળ થતી આ કામગીરીમાં મિલકતોની વિગતો એકત્રિત કરીને તેમનું ડિજિટલ મેપિંગ કરાશે. સર્વેની જવાબદારી એમનેક્ષ ઇન્ફોટેકને સોંપવામાં આવી છે.
ઘરે-ઘરે જઈ માપણી અને વિગતો એકત્રિત કરાશે
કંપનીની અધિકૃત ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં મિલકતધારકોની મુલાકાત લેશે. કર્મચારીઓ સ્થળ પર મિલકતનું નિરીક્ષણ અને જરૂરી માપણી કરીને સંબંધિત માહિતી નોંધશે. સર્વે દરમિયાન મિલકત વેરાનું બિલ, વીજળીનું બિલ અને માલિકી સંબંધિત અન્ય દસ્તાવેજો ચકાસણી માટે માગવામાં આવી શકે છે.
મહાનગરપાલિકાએ નાગરિકોને સર્વે કર્મચારીઓનાં કંપની દ્વારા અપાયેલા ઓળખપત્રની ચકાસણી કરવા જણાવ્યું છે. ઘરે આવતી ટીમનું ઓળખપત્ર જોયા પછી જ મિલકત સંબંધિત વિગતો અને દસ્તાવેજો આપવાની કાળજી રાખવી જરૂરી છે. ઓળખપત્ર વિના સર્વે કરનાર વ્યક્તિને અધિકૃત ટીમનો સભ્ય માની લેવું નહીં.
ડેટાનો ઉપયોગ અને નાગરિકોને અપીલ
સર્વેમાંથી મળતી માહિતીના આધારે મહાનગરપાલિકા મિલકતોનો ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરશે. આ માહિતીનો ઉપયોગ ભવિષ્યના શહેરી આયોજનમાં થઈ શકે છે. ટ્રાફિક વ્યવસ્થાપન, સ્ટ્રીટલાઇટ અને પાણી વિતરણ જેવી નાગરિક સુવિધાઓનું આયોજન તેમજ મિલકત વ્યવસ્થાપન અને વેરાની આકારણીમાં પણ ડેટા ઉપયોગી બની શકે છે. જોકે, સર્વેના આધારે વેરામાં કોઈ ફેરફાર થશે કે નહીં તે અંગેની વિગતો આપવામાં આવી નથી.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, એકત્રિત માહિતીનો ઉપયોગ સર્વે અને વહીવટી હેતુઓ માટે જ થશે અને તેને સુરક્ષિત રીતે જાળવવામાં આવશે. કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે મિલકતધારકોને ટીમને જરૂરી માહિતી અને દસ્તાવેજો આપીને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
