નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામમાં ઘર નજીકથી બાળકને દીપડો ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. બનાવ બાદ ગ્રામજનો, પોલીસ અને વન વિભાગની ટીમોએ રાતભર શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન બાળકનો મૃતદેહ ઘરથી આશરે 500 મીટર દૂર જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.
ઉપલબ્ધ માહિતી મુજબ, મૃતક બાળકનું નામ આરવ પટેલ હતું અને તેની ઉંમર આશરે અઢીથી ત્રણ વર્ષ હોવાનું જણાવાયું છે. સોમવાર, 5 ઑક્ટોબર 2026ની રાત્રે ભીનાર ગામના કુંભાર ફળિયા વિસ્તારમાં બાળક ઘર નજીક હતું ત્યારે દીપડો તેને ખેંચીને જંગલ તરફ લઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને ગ્રામજનો સ્થળે એકત્ર થયા હતા. વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગની ટીમો તથા પોલીસની મદદથી આસપાસના જંગલ અને ખેતર વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી. અંધારામાં ટોર્ચ અને મશાલોની મદદથી ચાલેલી શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળ્યો હતો.
પોસ્ટમોર્ટમ બાદ કારણની પુષ્ટિ થશે
ધરમપુર સબ-ડિવિઝનના ACF ભગીરથસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, વન વિભાગને રાત્રે આશરે 8થી 8.30 વાગ્યાની વચ્ચે ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વનકર્મીઓ અને પોલીસની ટીમે સ્થળ પર પહોંચી શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ACFએ જણાવ્યું કે બાળકનો મૃતદેહ મળી આવ્યો છે અને પોસ્ટમોર્ટમ તથા ઇન્ક્વેસ્ટ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી દીપડાના હુમલા તરફ સંકેત આપે છે, પરંતુ મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પરિવારને મળવાપાત્ર સહાય માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
દીપડાને પકડવા પાંચ ટીમો, પાંજરાં ગોઠવાયા
ઘટના બાદ વન વિભાગે ભીનાર અને આસપાસના વિસ્તારમાં દેખરેખ વધારી છે. દીપડાને પકડવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરના નેતૃત્વ હેઠળ પાંચ ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત, અલગ-અલગ સ્થળોએ 10થી વધુ પાંજરાં ગોઠવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
બાળકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે અને ભીનાર ગામમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ દીપડાને વહેલી તકે પકડવા તેમજ બાળકો અને પશુઓની સુરક્ષા માટે સતત પેટ્રોલિંગ કરવાની માંગ કરી છે.
