નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં ખેતરે જઈ રહેલા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે ગામલોકોમાં ભયનો માહોલ છે.

આમલેથા ગામના રહેવાસી 40 વર્ષીય રૂપેન્દ્ર દેવજીભાઈ વસાવા રવિવારે સવારે ઘરેથી ખેતર તરફ જઈ રહ્યા હતા. વન વિભાગની નોંધ મુજબ, આમલેથા રેલવે ફાટક નજીક રસ્તા પર સામેથી અચાનક દીપડો આવી ગયો હતો અને તેણે રૂપેન્દ્રભાઈ પર હુમલો કર્યો હતો.

હુમલામાં રૂપેન્દ્રભાઈને માથા સહિત શરીરના અન્ય ભાગે ઈજાઓ થઈ હતી. પરિવારજનો અને સ્થાનિકોની મદદથી તેમને સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વન વિભાગે સ્થળ તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ આમલેથા ગામે પહોંચી હતી. ટીમે હુમલો જ્યાં થયો હતો તે સ્થળની તપાસ કરી હતી અને ઘટનાની વિગતો એકત્રિત કરી હતી. વન વિભાગના કર્મચારીઓએ હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્ત ખેડૂતની મુલાકાત પણ લીધી હતી.

દીપડાને પકડવા પાંજરું મૂકવાની કામગીરી

વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કામગીરી શરૂ કરી હોવાનું જણાવાયું છે. ગામની આસપાસ દીપડાની હિલચાલ અંગે પણ નજર રાખવામાં આવી રહી છે. હુમલા બાદ સ્થાનિકોમાં ખેતરે જવા-આવવા અને સવારના સમયે અવરજવર દરમિયાન સાવચેતી રાખવાની ચિંતા વધી છે.