જામનગર તાલુકાના નાની ખાવડી ગામની સીમમાં 2007માં થયેલા હત્યાના કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી અસલમ ઉર્ફે પપ્પુ મહમદ તાસ અન્સારીને બિહારના સાસારામમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પંચ-બી ડિવિઝન પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદથી કાર્યવાહી કરી હતી. આરોપીને જામનગર લાવવામાં આવ્યો છે અને હવે કેસની આગળની તપાસ પંચ-બી ડિવિઝન પોલીસ કરશે.

2007માં નોંધાયો હતો હત્યાનો ગુનો

પોલીસને 28 ફેબ્રુઆરી, 2007ના રોજ નાની ખાવડીની સીમમાં પાયલ હોટલ પાસે રામભાઈ રબારીના મકાનમાં રહેતાં રોશનબેન ઉર્ફે બિમલાદેવી મૃત હાલતમાં મળ્યાં હતાં. શરૂઆતમાં અકસ્માતે મોતની નોંધ કરીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં ગળે ટૂંપો આપવાથી ગૂંગળામણને કારણે મૃત્યુ થયાનું બહાર આવતાં 1 માર્ચ, 2007ના રોજ પંચ-બી ડિવિઝન પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.

તપાસમાં રોશનબેનના પતિ અસલમ ઉર્ફે પપ્પુ પર તેમની હત્યા કરવાનો આરોપ મૂકાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બનાવ પછી તે ઘર અને વતન છોડીને ફરાર થઈ ગયો હતો. શોધખોળ છતાં તેનો પત્તો ન લાગતાં અદાલતમાંથી ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 70 હેઠળ વોરંટ મેળવાયું હતું. કેસમાં પાછળથી ‘એ’ સમરી પણ ભરવામાં આવી હતી.

જૂની ફાઇલોના અભ્યાસથી તપાસ આગળ વધી

જામનગર LCBએ વણઉકેલાયેલા ગુનાઓ અને ફરાર આરોપીઓ અંગેની કાર્યવાહી દરમિયાન જૂના કેસની ફાઇલો ફરી તપાસી. તપાસમાં મળેલી બાતમી મુજબ, આરોપી બિહારના રોહતાસ જિલ્લાના સાસારામમાં ભવન નિર્માણ સંબંધિત એક ઓફિસમાં કામ કરતો હતો અને નામ-ઓળખ બદલીને રહેતો હતો.

આ બાતમીના આધારે જામનગરની ટીમ સાસારામ પહોંચી. સ્થાનિક પોલીસની મદદ સાથે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી. પોલીસે અસલમ ઉર્ફે પપ્પુને પકડી પાડ્યો. પોલીસના જણાવ્યા મુજબ, તે મૂળ બિહારના રોહતાસ જિલ્લાના મોના ગામનો રહેવાસી છે. ધરપકડ પછી તેની સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.